<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th February 2026

મોડીરાત્રે મોરબીના શનાળા રોડ પર જતીન સોની નામના યુવાનની છરીના ઘા ઝીકી હત્યા : પોલીસ કાફલો પહોંચ્યો

ઓવરટેક કરવા જેવી બાબતે બોલાચાલી થતા બાઈક સવારોએ ઉશ્કેરાઈને જતિન સોની પર છરી વડે જીવલેણ હુમલો કર્યો :સરદારબાગથી આગળ આવેલ રંગોલી આઈસ્ક્રીમની સામે હત્યા

મોરબીના શનાળા રોડ પર સરદારબાગથી આગળ આવેલ રંગોલી આઈસ્ક્રીમની સામે આ ઘટના બની હતી. જતિન સોની નામનો યુવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઓવરટેક કરવા જેવી બાબતે બે બાઈક સવારો સાથે તેનો વિવાદ થયો હતો. આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બાઈક સવારોએ ઉશ્કેરાઈને જતિન સોની પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. યુવાનને ગંભીર ઈજાઓ પહોંચાડીને હુમલાવરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પોલીસ કાફલો દોડી ગયો:

ઘટનાને પગલે ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હુમલો એટલો ઘાતકી હતો કે યુવાને જીવ ગુમાવ્યો હતો. 

  આ ચકચારી બનાવની જાણ થતાં જ ડીવાયએસપી જે.એમ.આલ, મોરબી એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ રાકેશ પટેલ એલસીબી પીઆઈ મયંક પંડયા તેમજ અન્ય પોલીસ સ્ટાફ તાત્કાલિક ક્રિષ્ના હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. હાલ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

(12:22 AM IST)