News of Friday, 20th February 2026
હવે મુંબઈથી મુન્દ્રા ડાયરેક્ટ વિમાન સેવા: કચ્છમાં ત્રીજું એરપોર્ટ મુન્દ્રા એપ્રિલથી શરૂ : મુંબઈ, અમદાવાદ, સુરત, ગોવા, દિલ્હીની ફ્લાઇટ ઉડ્ડાન ભરશે
સ્ટાર એરલાઇન્સની જાહેરાત, ૭૬ સીટનું વિમાન, આવતા અઠવાડિયાથી બુકિંગ શરૂ, લુણી ગામ પાસે અદાણી ગ્રુપ દ્વારા મૂળ કાર્ગો સુવિધા માટે વિકસાવાયેલા એરપોર્ટ ઉપર પેસેન્જર સેવા ઉપયોગી બનશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦ : કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ સાથે હવે એર કનેક્ટિવિટીની સુવિધા વધી રહી છે. કચ્છમાં હવે ત્રીજું એરપોર્ટ મુન્દ્રા મધ્યે શરૂ થઈ રહ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા મુન્દ્રાના લુણી ગામે બનાવાયેલ અત્યંત અદ્યતન એવા ખાનગી એરપોર્ટથી હવે સ્ટાર એરલાઇન્સ દ્વારા દેશના ૫ શહેરોને જોડતી વિમાની સેવા આગામી ૨ જી એપ્રિલથી શરૂ થઈ રહી છે. આ અંગે સ્ટાર એર દ્વારા તેમના સોશ્યલ મીડિયા હેન્ડલ ઉપર સત્તાવાર જાહેરાત કરી આગામી સપ્તાહથી બુકિંગ કરવાનું પણ જણાવાયું છે. ૧૨ બિઝનેસ ક્લાસ સીટ અને ૬૪ ઇકોનોમી ક્લાસની સીટ એમ કુલ ૭૬ સીટર વિમાન મુન્દ્રાથી મુંબઇ, અમદાવાદ, સુરત, દિલ્હી, ગોવા ઉડ્ડાન ભરશે. કચ્છના મુન્દ્રા, માંડવી તાલુકાના હજારો કચ્છી પરિવાર મુંબઇ વસવાટ કરે છે તેઓ હવે સીધા જ તેમના ગામ નજીક આ વિમાની સેવાથી પહોંચી શકશે. લાંબા સમયથી મુન્દ્રા એરપોર્ટમાં પેસેન્જર વિમાની સેવા શરૂ થાય એવી લોકોની લાગણી હતી જે હવે પૂર્ણ થશે. આ એરપોર્ટ વ્યૂહાત્મક રીતે આદિપુર, ગાંધીધામ, કંડલા પોર્ટની પણ નજદીક હોઈ મુન્દ્રા પોર્ટ ઉપરાંત અનેક ઔદ્યોગિક એકમો માટે પણ ફાયદેમંદ થશે. જોકે, અદાણી ગ્રુપ દ્વારા આ એરપોર્ટ મુખ્યત્વે એર કાર્ગો સેવા શરૂ કરવા વિકસાવાયું છે. જેના થકી મુન્દ્રા અદાણી પોર્ટ દરિયાઈ માર્ગ ઉપરાંત રોડ, રેલવે બાદ હવે હવાઈ માર્ગે પણ લોજિસ્ટિક (માલ સામાન)ની હેરફેર દ્વારા મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ધરાવતું દેશનું અગ્રીમ બંદર થશે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
