News of Friday, 20th February 2026
શાપરની પરિણીતા ચાર્મીબેન જામનગર માવતરના ઘરે ટર્પેન્ટાઇન છાંટી સળગી
બે સંતાનને મુકી બે મહિનાથી માવતરે આવી છેઃ રાજકોટ સારવાર હેઠળઃ મરી જવાના વિચાર આવતાં હોવાથી પગલુ ભર્યાનું રટણ

રાજકોટ તા. ૨૦: શાપર વેરાવળમાં સાસરૂ ધરાવતી પરિણીતા બે મહિનાથી જામનગર માવતરના ઘરે રોકાઇ હોઇ અહિ બે દિવસ પહેલા મોડી રાતે શરીરે ટપેન્ટાઇન નામનું કેમીકલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
જાણવા મળ્યા મુજબ શાપરમાં શિતળા માતાના મંદિર પાસે રહેતી ચાર્મીબેન મયુરભાઇ લુણાસરીયા (ઉ.વ.૨૮) ૧૭/૨ના રાતે અઢી વાગ્યે જામનગરમાં રામેશ્વર ચોક શંકર ભગવાનના મંદિર પાસે રહેતાં પિતા જગદીશભાઇ બારોટના ઘરે હતી ત્યારે શરીરે ટપેન્ટાઇન છાંટી સળગી જતાં જામનગર જી. જી. હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર બી-ડિવીઝનમાં જાણ કરી હતી.
ચાર્મીબેનના પતિ મયુરભાઇ કલરકામ કરી ગુજરાન ચલાવે છે. તેણીને સંતાનમાં બે પુત્ર છે. બે મહિના પહેલા તેણી સંતાનોને સાસરીયામાં મુકી જામનગર પોતાના માવતરના ઘરે અમસ્તા જ રોકાવા માટે આવી હતી. ત્યારથી તે માવતરે જ હતી. તેણીએ એવુ રટણ કર્યુ હતું કે મને મરી જવાના વિચાર આવતાં હોવાથી આ પગલુ ભર્યુ છે. જામનગર પોલીસ વધુ તપાસ કરી રહી છે. (૧૪.૬)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
