તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
રાજ્ય પોલીસ વડાની મુલાકાત પૂર્વે જ કચ્છમાં ૪ કરોડનો દારૂ પકડાતા મોટી કાર્યવાહી : પદ્ધર PI સહિતનો સ્ટાફ સસ્પેન્ડ, LCB PIની બદલી
SMCની રેડ બાદ પશ્ચિમ કચ્છ પોલીસ બેડામાં હડકંપ : રેન્જ આઇજી ચિરાગ કોરડિયાએ ફરજમાં નિષ્કાળજી બદલ આકરા પગલાં ભર્યા : લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને લીવ રિઝર્વમાં ખસેડાયા

વિનોદ ગાલા દ્વારા, ભુજ : સરહદી કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે રાજ્યના પોલીસ વડા (DGP) ડો. રાવ પધારી રહ્યા છે, તે પૂર્વે જ પશ્ચિમ કચ્છ પોલીસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલી મેગા રેડમાં ૪ કરોડ રૂપિયાનો વિક્રમી દારૂનો જથ્થો ઝડપાઈ જતાં સ્થાનિક પોલીસની નિષ્ફળતા છતી થઈ છે. આ મામલે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ કડક વલણ અપનાવી પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સહિતના સ્ટાફને સસ્પેન્ડ કરી દીધો છે.
ડીજીપીની મુલાકાત પૂર્વે જ ‘વિક્રમી’ દારૂ ઝડપાયો:
આવતીકાલથી રાજ્ય પોલીસ વડા ડો. રાવ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. તેમની મુલાકાત પૂર્વે જ પશ્ચિમ કચ્છના પદ્ધર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વડવાલા ગામે એસએમસીની ટીમે ત્રાટકીને ૪ કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતર્યો હોવા છતાં સ્થાનિક પોલીસ અજાણ રહેતા ઉચ્ચ અધિકારીઓ લાલઘૂમ થયા છે. આ રેડ બાદ સમગ્ર પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં સોંપો પડી ગયો છે.
રેન્જ આઈજીની કડક કાર્યવાહી:
દારૂના આ મસમોટા જથ્થા અંગે બાતમી મેળવવામાં અને પ્રોહિબિશનની કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયેલા પોલીસ કર્મીઓ સામે રેન્જ આઈજીએ ગાજ વરસાવી છે.
* સસ્પેન્શન: પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને અન્ય જવાબદાર પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે.
* બદલી: પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ના પીઆઈ અને તેમના સ્ટાફના અમુક સભ્યોની લીવ રિઝર્વમાં બદલી કરી દેવામાં આવી છે.
ફરજમાં નિષ્કાળજી ભારે પડી:
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રેન્જ આઈજી દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી સ્પષ્ટ સંકેત આપે છે કે ફરજમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્ય પોલીસ વડાની મુલાકાત પહેલા જ થયેલી આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. એસએમસી દ્વારા પકડાયેલા ૫ કરોડથી વધુના કુલ મુદ્દામાલ બાદ હવે સ્થાનિક તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
