તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
જસદણમાં ભક્તિ વચ્ચે ભયનો ઓથાર: જડિયા મહાદેવ મંદિરમાં આરતી ટાણે જ દીપડાએ મહંત પર કર્યો જીવલેણ હુમલો
મહંતને બચાવવા ગયેલા ખેડૂતને પણ આદમખોર દીપડાએ ફાડી ખાધો; લોહીલુહાણ હાલતમાં બંનેને રાજકોટ રિફર કરાયા, વન વિભાગે ભારે જહેમતે દીપડાને કર્યો કેદ

રાજકોટ: રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આજે એક કંપારી છૂટી જાય તેવી ઘટના બની છે. પ્રસિદ્ધ જડિયા મહાદેવ મંદિરના પ્રાંગણમાં જ્યારે શ્રદ્ધાળુઓ અને મહંત ભક્તિમાં લીન હતા, ત્યારે જ એક આદમખોર દીપડાએ આરતી કરી રહેલા મહંત પર પાછળથી હિંસક તરાપ મારી હતી. આ હુમલાને કારણે પવિત્ર યાત્રાધામમાં એકાએક ચિચિયારીઓ અને અફરાતફરી મચી ગઈ હતી.
આરતી દરમિયાન જ કાળનો પંજો
બનાવની વિગત મુજબ, જડિયા મહાદેવ મંદિરના મહંત સાંજના સમયે મહાદેવની આરતી કરી રહ્યા હતા. આરતીના નાદ વચ્ચે ઓચિંતા પાછળથી આવેલા દીપડાએ મહંતના ગળા અને છાતીના ભાગે પોતાના તીક્ષ્ણ પંજા ભરાવી દીધા હતા. મહંત લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા. આ કરુણ દ્રશ્ય જોઈને નજીકમાં કામ કરી રહેલા એક હિંમતવાન ખેડૂત તેમને બચાવવા માટે દોડી આવ્યા હતા.
ખેડૂત પર પણ દીપડાનો પ્રહાર
મહંતને બચાવવા ગયેલા ખેડૂત પર પણ દીપડાએ પોતાનો ક્રોધ ઉતાર્યો હતો અને તેમના પર પણ હિંસક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ દીપડો ડરના માર્યા મહંતની બાજુમાં આવેલી ઓરડીમાં ઘૂસી ગયો હતો અને અંદર પુરાઈ ગયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને જસદણ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલત જોઈ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે.
વન વિભાગની કલાકોની જહેમત
ઘટનાની જાણ થતા જ જસદણ વન વિભાગનો કાફલો હથિયારો અને પાંજરા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઓરડીમાં છુપાયેલા આદમખોર દીપડાને પાંજરે પૂરવા માટે વનકર્મીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. કલાકોના ઓપરેશન બાદ આખરે દીપડાને કેદ કરવામાં સફળતા મળી હતી. દીપડો પકડાતા જ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ મહંતની તબિયતને લઈને હજુ પણ ચિંતાનો માહોલ છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
