<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

જૂનાગઢમાં ઐતિહાસિક નિર્ણય: પ્રથમ વખત અમલમાં આવ્યો ‘અશાંતધારો’, જોશીપુરા અને ખામધ્રોળની ૧૯ સોસાયટીઓમાં મિલકતની લે-વેચ પર કલેક્ટરની લગામ

વસ્તીનું સંતુલન જાળવવા અને અસામાજિક તત્વોને રોકવા રાજ્ય સરકારનું કડક પગલું; ૨૦૩૧ સુધી મિલકત ટ્રાન્સફર માટે લેવી પડશે ખાસ મંજૂરી

જૂનાગઢ: ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢ શહેરમાં કાયદો-વ્યવસ્થા અને સામાજિક સમરસતા જાળવી રાખવા માટે રાજ્ય સરકારે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જૂનાગઢના ચોક્કસ વિસ્તારોમાં પ્રથમ વખત ‘ગુજરાત અશાંત વિસ્તાર અધિનિયમ-1991’ એટલે કે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી હવે નિયત કરાયેલા વિસ્તારોમાં મિલકતની ખરીદી, વેચાણ કે ભાડે આપવાની પ્રક્રિયા પર વહીવટી તંત્રની સીધી નજર રહેશે.
કયા વિસ્તારો બન્યા ‘અશાંત’?
ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર, જૂનાગઢના મુખ્યત્વે જોશીપુરા અને ખામધ્રોળ વિસ્તારની ૧૯ સોસાયટીઓને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે. જેમાં હેમવન, રાજમોતી, પ્રેરણાધામ-૧ અને ૨, કલાપીનગર, પૂનમ પાર્ક, સુદર્શન પાર્ક, શ્યામલ પાર્ક, કૃષ્ણપાર્ક, દ્વારકેશ નગર, ગોકુલધામ, અર્જુન પાર્ક, ખોડિયાર નગર, રિવર વિલા, સર્વોદય, આદિત્યનગર, નંદનવન, અમૃતકલા સોસાયટી અને ભગીરથ ડુપ્લેક્સનો સમાવેશ થાય છે. આ કાયદો વર્ષ ૨૦૩૧ સુધી અમલમાં રહેશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી મિલકતો પચાવી પાડવાની અથવા ભાડે લેવાની અનેક ફરિયાદો ઉઠી હતી. સ્થાનિક રહીશોએ ‘પ્રોપર્ટી જેહાદ’ જેવા ગંભીર આરોપો લગાવી સામાજિક અને ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાની રજૂઆતો કરી હતી. જિલ્લા કલેક્ટરના વ્યાપક સર્વે અને પોલીસના રિપોર્ટ બાદ, શાંતિ જાળવવાના હેતુથી સરકારે આ વિસ્તારોને અશાંત જાહેર કર્યા છે.
સંગઠનોએ કર્યું સ્વાગત, હજુ વધુ વિસ્તારોની માંગ
વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને હિંદુ હિત રક્ષક સમિતિ જેવા સંગઠનોએ સરકારના આ નિર્ણયને વધાવ્યો છે. VHPના અગ્રણીઓએ આને પ્રથમ તબક્કો ગણાવતા માંગ કરી છે કે ભવનાથ, ઉપરકોટ, જગમાલ ચોક અને દોલતપરા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ વહેલી તકે અશાંતધારો લાગુ કરવો જોઈએ. જૈન સમાજના આગેવાનોએ પણ આ કાયદાને સામાજિક સુરક્ષા માટે જરૂરી ગણાવ્યો છે.
આ કાયદો અમલમાં આવતા હવે આ ૧૯ સોસાયટીઓમાં મિલકત ટ્રાન્સફર કરતા પહેલા કલેક્ટરની પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત બનશે, જેનાથી અન્યાયી રીતે થતી મિલકતની લે-વેચ પર કાયમી બ્રેક લાગશે.

(8:15 PM IST)