<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

હાલારની ૭ નગરપાલિકાઓ પર પીજીવીસીએલનું વીજ સંકટ : સ્ટ્રીટ લાઈટ અને પાણીના બિલ પેટે ૫.૪૪ કરોડની વસૂલાત બાકી

જામનગર અને દેવભૂમિ દ્વારકાની નગરપાલિકાઓના ૨૨૨ વીજ જોડાણોનું તોતિંગ લેણું : ખંભાળિયા પાલિકા ૧.૭૬ કરોડ સાથે સૌથી મોટી બાકીદાર : PGVCL દ્વારા લાલ આંખ

(મુકુંદ બુંદીયાણી દ્વારા)જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા એટલે કે હાલાર પંથકની સાત નગરપાલિકાઓ દ્વારા વીજળીના બિલની ચુકવણીમાં કરવામાં આવતી બેદરકારી સામે પીજીવીસીએલ (PGVCL) ની જામનગર વર્તુળ કચેરીએ આંકડાકીય વિગતો જાહેર કરી છે. તા. ૩૧/૧/૨૦૨૬ની સ્થિતિએ આ સાતેય નગરપાલિકાઓ પાસે પીજીવીસીએલનું કુલ ૫૪૪.૬૨ લાખ (રૂ. ૫.૪૪ કરોડ) રૂપિયાનું લેણું વસૂલવાનું બાકી નીકળે છે. પીજીવીસીએલના જણાવ્યા મુજબ સ્ટ્રીટ લાઈટ અને પાણીના કુલ ૨૨૨ જોડાણો પર આ જંગી રકમ બાકી છે.
નગરપાલિકાવાર બાકી રકમની વિગતો:
 * ખંભાળિયા નગરપાલિકા: આ પાલિકા સૌથી વધુ રકમની બાકીદાર છે. જેમાં પાણીના ૨૨ વીજ જોડાણના ૧૭૩.૦૧ લાખ અને સ્ટ્રીટ લાઈટના ૨૦ જોડાણના ૩.૩૭ લાખ મળી કુલ તોતિંગ રકમ બાકી છે.
 * ભાણવડ નગરપાલિકા: ભાણવડ પાલિકા પાસે પાણીના ૧૦ જોડાણના ૮૨.૦૨ લાખ અને સ્ટ્રીટ લાઈટના ૨૦ જોડાણના ૮.૩૯ લાખ વસૂલવાના બાકી છે.
 * સિક્કા નગરપાલિકા: અહીં પાણી માટેના ૮ જોડાણના ૬૬.૧૪ લાખ અને સ્ટ્રીટ લાઈટના ૨૩ જોડાણના ૨૭.૧૮ લાખનું લેણું બાકી છે.
 * ઓખા નગરપાલિકા: ઓખા પાલિકા પાસે સ્ટ્રીટ લાઈટના ૩૬ જોડાણના ૩૮.૧૩ લાખ અને પાણીના ૧૨ જોડાણના ૩૭.૨૦ લાખની વસૂલાત બાકી છે.
 * સલાયા નગરપાલિકા: સલાયામાં પાણીના ૫ જોડાણના ૬૧ લાખ અને સ્ટ્રીટ લાઈટના ૯ જોડાણના ૨.૯૩ લાખ બાકી નીકળે છે.
 * જામ રાવલ નગરપાલિકા: આ પાલિકાના પાણીના ૯ જોડાણના ૨૬.૧૭ લાખ અને સ્ટ્રીટ લાઈટના ૧૦ જોડાણના ૪.૪૭ લાખ બાકી છે.
 * કાલાવડ નગરપાલિકા: કાલાવડ પાલિકાના પાણીના ૬ જોડાણના ૬.૮૫ લાખ અને સ્ટ્રીટ લાઈટના ૩૨ જોડાણના ૨.૭૬ લાખની રકમ બાકી છે.
વસૂલાત માટે આક્રમક વલણની શક્યતા:
પીજીવીસીએલ દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે નગરપાલિકાઓ દ્વારા જાહેર સુવિધાઓ જેવી કે સ્ટ્રીટ લાઈટ અને પાણી પુરવઠાના વીજ બિલ ભરવામાં લાંબા સમયથી ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. ૫.૪૪ કરોડ જેવી મોટી રકમ બાકી હોવાથી આગામી દિવસોમાં પીજીવીસીએલ દ્વારા આ જોડાણો કાપવા અથવા કડક વસૂલાત માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો વીજ જોડાણો કાપવામાં આવે તો હાલારની જનતાને પાણી અને રોશની જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવાનો વારો આવી શકે છે.

(8:42 PM IST)