તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
જામનગર જિલ્લામાં પશુધનની સુરક્ષા માટે રસીકરણનો મહાકુંભ: ૨.૬૮ લાખ ગાય-ભેંસોને ખરવા-મોવાસા સામે અપાશે સુરક્ષા કવચ
૧ માર્ચથી ૧૫ એપ્રિલ સુધી ચાલનારા આઠમા રાઉન્ડમાં પશુઓને વિનામૂલ્યે રસી અપાશે: રસીકરણ સાથે ડિજિટલ એન્ટ્રી અને ટેગિંગ માટે પશુપાલકોને આધાર વિગતો આપવા અનુરોધ

જામનગર:રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ જામનગર જિલ્લાના પશુપાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પશુઓમાં જોવા મળતા અત્યંત ચેપી અને આર્થિક રીતે નુકસાનકારક એવા ખરવા-મોવાસા (Foot and Mouth Disease) રોગને નાથવા માટે પશુપાલન ખાતા દ્વારા રસીકરણના આઠમા રાઉન્ડનો પ્રારંભ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના લાખો પશુઓને જીવલેણ રોગ સામે રક્ષણ પૂરું પાડવામાં આવશે.
૨.૬૮ લાખ પશુઓનું વિનામૂલ્યે રસીકરણ:
આગામી તા. ૦૧/૦૩/૨૦૨૬ થી ૧૫/૦૪/૨૦૨૬ દરમિયાન ચાલનારા આ અભિયાનમાં જામનગર જિલ્લાના અંદાજે ૨,૬૮,૦૦૦ ગાય અને ભેંસ વર્ગના પશુઓને આવરી લેવામાં આવશે. પશુપાલન શાખા, જામનગર મહાનગરપાલિકા અને દૂધ સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઝુંબેશમાં તમામ ગામોમાં ઘરે-ઘરે જઈને પશુધનને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. ખરવા-મોવાસા રોગને કારણે પશુઓના દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે અને પશુ નબળું પડી જાય છે, જેનાથી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે.
ટેગિંગ અને ડિજિટલ એન્ટ્રી ફરજિયાત:
આ વખતે રસીકરણની પ્રક્રિયાને વધુ પારદર્શક અને આધુનિક બનાવવા માટે ખાસ આયોજન કરાયું છે. જે પશુઓમાં હજુ સુધી ટેગિંગ થયું નથી, તેમના કાને 'યુનિક આઈડી' ટેગ લગાવવામાં આવશે. રસીકરણની તમામ વિગતો એન.ડી.એલ.એમ. (NDLM) પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવામાં આવશે. આ માટે પશુપાલકોએ રસીકરણ કરવા આવતા અધિકૃત કર્મચારીઓને પોતાનો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ પર આવતા ઓ.ટી.પી. (OTP) ની જાણકારી આપવાની રહેશે.
સાવચેતી અને અપીલ:
નાયબ પશુપાલન નિયામક દ્વારા પશુપાલકોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે, માત્ર રૂબરૂ આવતા અધિકૃત સરકારી કર્મચારીને જ વિગતો આપવી. સાવચેતીના ભાગરૂપે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે અજાણ્યા ફોન કોલ પર ઓ.ટી.પી. શેર ન કરવો. પશુઓમાં તીવ્ર તાવ, લાળ પડવી અને પગમાં ચાંદા પડવા જેવા લક્ષણો દેખાય તે પહેલા જ રસીકરણ કરાવી લેવું હિતાવહ છે. જિલ્લાના પશુપાલકોને આ સેવાનો લાભ લેવા અને વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા જણાવાયું છે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
