<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગરમાં ભવ્ય આગમન: એરપોર્ટ પર મહાનુભાવો દ્વારા ઉષ્માસભર સ્વાગત

અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા બાદ ઉપરાષ્ટ્રપતિ વનતારાની મુલાકાતે: મેયર વિનોદભાઈ ખીમસૂર્યા અને કલેક્ટર કેતન ઠક્કર સહિતના અધિકારીઓએ કર્યું સ્વાગત

જામનગર:ગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવ આજે જામનગરની મુલાકાતે પધાર્યા હતા. જામનગર એરપોર્ટ પર તેમનું વિમાન ઉતરાણ કરતાની સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર અને મહાનુભાવો દ્વારા તેમનું ઉમળકાભેર અને ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સ્તરના મહાનુભાવના આગમનને પગલે એરપોર્ટ પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મહાનુભાવો દ્વારા સ્વાગત:
ઉપરાષ્ટ્રપતિના સ્વાગત માટે જામનગરના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા પોલીસ વડા ડૉ. રવિ મોહન સૈની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી ડૉ. ભરત જગદેવને જામનગરની પવિત્ર ધરતી પર આવકાર્યા હતા. આ પ્રસંગે અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ સ્વાગતમાં જોડાયા હતા.
મુલાકાતનો હેતુ:
ઉલ્લેખનીય છે કે, ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવ આજે સવારે ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અયોધ્યાથી તેઓ સીધા જામનગર પહોંચ્યા છે. જામનગર આવવા પાછળનો તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિર્મિત વન્યજીવ સંરક્ષણ પ્રોજેક્ટ 'વનતારા'ની મુલાકાત લેવાનો છે. તેઓ વનતારામાં વન્યજીવોના આશ્રય અને સંવર્ધન માટે કરવામાં આવેલી આધુનિક વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરશે.
આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળની આ મુલાકાતથી જામનગરના વનતારા પ્રોજેક્ટની ખ્યાતિ વિશ્વ સ્તરે વધુ પ્રસરી રહી છે. સ્વાગત વિધિ બાદ ઉપરાષ્ટ્રપતિનો કાફલો કડક સુરક્ષા વચ્ચે વનતારા તરફ રવાના થયો હતો.

(10:19 PM IST)