તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
જામનગરના લાખાબાવળ ગામમાં કોલેરાનો પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ: જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગામને ‘રોગગ્રસ્ત’ જાહેર કરાયું
લાખાબાવળના ૨ કિમીની ત્રિજ્યાનો વિસ્તાર ‘ભયગ્રસ્ત’ જાહેર: એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ જામનગર ટીડીઓને નિયંત્રણ અધિકારી તરીકેની સત્તા સોંપાઈ

જામનગર: : જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં કોલેરાનો પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ રોગચાળો અન્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લાખાબાવળ ગામ અને તેની આસપાસના ૨ કિલોમીટરના વિસ્તારને લઈને મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી:
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી મળેલી દરખાસ્તને આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એપેડેમિક ડિસીઝ એક્ટ-૧૮૯૭ની કલમ ૩ અન્વયે લાખાબાવળ ગામને ‘કોલેરા રોગગ્રસ્ત’ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ ગામની આસપાસના ૨ કિલોમીટરના પરિઘમાં આવતા વિસ્તારને ‘કોલેરા ભયગ્રસ્ત’ જાહેર કરી ત્યાં સઘન સર્વેલન્સ અને તકેદારીના પગલાં લેવા આદેશ કરાયા છે.
ટીડીઓને સોંપાઈ વિશેષ જવાબદારી:
કોલેરાના ફેલાવાને નિયંત્રિત કરવા માટે જામનગર તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) ને ‘કોલેરા નિયંત્રણ અધિકારી’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેમને આ રોગચાળાને નાથવા માટે જરૂરી તમામ સત્તાઓ એનાયત કરવામાં આવી છે. નિયંત્રણ અધિકારી દ્વારા હવે આ વિસ્તારમાં પીવાના પાણીના સ્ત્રોતોની તપાસ, ક્લોરિનેશન, અને શંકાસ્પદ દર્દીઓના સ્ક્રીનિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે.
આરોગ્ય વિભાગ એલર્ટ પર:
લાખાબાવળમાં કોલેરાનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. ગ્રામજનોને ઉકાળેલું પાણી પીવા અને ખોરાક બાબતે ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી રોગચાળાને વકરતો અટકાવી શકાય.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
