<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

જામનગર પોલીસની મોટી કાર્યવાહી: પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા બુટલેગર પર ‘પાસા’નું શસ્ત્ર ઉગામાયું

જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલસીબીએ દરખાસ્ત તૈયાર કરી: રણજીતસાગર રોડના શખ્સને વડોદરા મધ્યસ્થ જેલ ભેગો કરાયો

જામનગર:રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર દ્વારા પ્રોહીબુટલેગર્સ, જુગારીઓ અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની મળેલી સૂચના બાદ જામનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ એલસીબી (LCB) ટીમે એક રીઢા પ્રોહીબુટલેગર વિરુદ્ધ પાસા (PASA) હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી, જેને જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઠક્કરે મંજૂર કરી વોરંટ ઈસ્યુ કરતા આરોપીની અટકાયત કરવામાં આવી છે.
કોની સામે થઈ કાર્યવાહી?
જામનગરના રણજીતસાગર રોડ પર નંદનવન સોસાયટી પાસે પીંજારાવાસમાં રહેતા સાહીલ ફીરોજ પીંજારા (ઉંમર ૨૩ વર્ષ) વિરુદ્ધ અગાઉ પ્રોહીબીશનના બે ગુનાઓ નોંધાયા હતા. તેની સતત અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા માટે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ શરદ પરમાર, હીરેન વરણવા અને સુરેશ માલકીયાએ પાસા દરખાસ્ત તૈયાર કરી હતી.
વડોદરા જેલના હવાલે:
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવતા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. મોઢવાડીયા સહિતની ટીમે વોરંટની બજવણી કરી આરોપી સાહીલ પીંજારાની અટકાયત કરી હતી. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
કામગીરી કરનાર ટીમ:
આ સફળ કામગીરીમાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. લગારીયા, પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, એમ.વી. ભાટીયા, એમ.વી. મોઢવાડીયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, દિલીપ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, રૂષીરાજસિંહ વાળા, નિર્મળસિંહ જાડેજા, અરજણ કોડીયાતર, ક્રિપાલસિંહ જાડેજા, સુમીત શીયાર, ઘનશ્યામ ડેરવાડીયા, મયુદીન સૈયદ, કિશોર પરમાર, બળવંતસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ એન. જાડેજા, ભરત ડાંગર, ભયપાલસિંહ જાડેજા, અજય વીરડા, દયારામ ત્રિવેદી, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને બિજલ બાલસરા જોડાયા હતા.
પોલીસની આ કડક કાર્યવાહીથી જિલ્લાના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આગામી સમયમાં પણ આવા ઇસમો વિરુદ્ધ ઝુંબેશ ચાલુ રાખવાની વહીવટી તંત્ર દ્વારા નેમ વ્યક્ત કરવામાં આવી છે.

(10:40 PM IST)