News of Sunday, 22nd February 2026
જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં જળક્રાંતિનો સેવાયજ્ઞ: જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ દ્વારા ૨૮ તળાવો ઊંડા ઉતારવાના કાર્યનો પ્રારંભ
સ્વ-ભંડોળથી ૩૫ કરોડ લિટર જળ સંગ્રહ ક્ષમતા વધારવા બે સંસ્થાઓએ કમર કસી: મચ્છુ-બેરાજા સહિત ૨૮ ગામોમાં જનભાગીદારીથી ‘વર્ષા જળ સંચય’ અભિયાન વેગવંત બનશે

જામનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વર્ષા જળ સંચય'ના આહવાનથી પ્રેરાઈને જામનગરની બે અગ્રણી સેવાભાવી સંસ્થાઓ, જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા સંયુક્ત રીતે એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આગામી ૨૦૨૬ના ચોમાસા પહેલા જિલ્લાના ૨૮ ગામડાઓના તળાવો ઊંડા ઉતારી જળ સંગ્રહ શક્તિમાં ધરખમ વધારો કરવા માટે આ સેવાયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે.
ભૂતકાળની સફળતા અને ૨૦૨૬નું લક્ષ્ય:
ઉલ્લેખનીય છે કે, બી.જે.એસ. જૈન સંગઠન જામનગર દ્વારા વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ દરમિયાન ૧૨ ગામોના ૧૫ તળાવો ઊંડા ઉતારવામાં આવ્યા હતા, જેના પરિણામે ૧૮ કરોડ લિટર વધારાના જળ સંગ્રહની ક્ષમતા ઊભી થઈ હતી. આ સફળતાથી પ્રેરાઈને હવે ૨૦૨૬માં આ વ્યાપ વધારીને ૩૫ કરોડ લિટર વર્ષા-જળના સંગ્રહ માટે ૨૮ ગામોની પસંદગી કરવામાં આવી છે.
ગામડાઓમાં સર્વે અને ગ્રામસભાનો પ્રારંભ:
આ અભિયાનના ભાગરૂપે અત્યારે વિવિધ ગામોમાં સર્વે અને ગ્રામસભાઓનું આયોજન થઈ રહ્યું છે. તાજેતરમાં ૧૯ ફેબ્રુઆરીના રોજ મચ્છુ-બેરાજા ગામે સંસ્થાના પ્રતિનિધિઓ જિજ્ઞેશ શાહ, હિતેશ ચંદરિયા, શરદ શેઠ, સમીર મહેતા, નિહાર માલદે અને જયેશ મહેતાની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહકાર આપવાની ખાતરી આપી હતી. સરકાર દ્વારા 'સુજલામ સુફલામ'નો પરિપત્ર જાહેર થતાં જ મચ્છુ-બેરાજા, ડબાસંગ, આરબલુસ, આરીખાણા, ચાંપા-બેરાજા, ઠેબા, સડોદર, રાવલસર, બાલાચડી, ઈશ્વરીયા, ધ્રોલ, મોટા-વાગુદડ અને ધુન-ધોરાજી જેવા ૨૮ ગામોમાં તળાવો ઊંડા ઉતારવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ થશે.
સ્વ-ભંડોળ અને જનશક્તિનો સંગમ:
આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સરકાર પાસેથી કોઈ આર્થિક સહયોગ લેવામાં આવશે નહીં. કંપનીઓના સી.એસ.આર (CSR) ફંડ, દાતાઓનું દાન અને ગ્રામજનોના સહકારથી સંપૂર્ણ કાર્ય સ્વ-ભંડોળથી જ સંપન્ન કરવામાં આવશે. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે જળ-સંચય અને પર્યાવરણ સુરક્ષા એ માત્ર સરકારની નહીં પણ સર્વે નાગરિકોની ફરજ છે. જળ-સંચયના આ મહાયજ્ઞમાં તન-મન-ધનથી સહયોગ આપવા ઈચ્છતા લોકોને સંસ્થાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
