<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

દ્વારકાના દરિયામાં કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: મધદરિયેથી ચાર ઈરાની શખ્સ સાથે શંકાસ્પદ બોટ દબોચી : ૨.૫ કરોડ વિદેશી સિગારેટ જપ્ત : ડ્રગ્સ માફિયાઓએ પોતાની મોડ્સ ઓપરેન્ડી બદલી : સમુદ્રી માર્ગે હવે ડ્રગ્સ ઘુસાડવાના બદલે વિદેશી સિગારેટ ઘુસાડવાનું ષડયંત્ર

દ્વારકા થી ૧૧૫ નોટિકલ માઈલ દૂરથી ઇરાની અલ અખતર નામની બોટ સાથે ૪ વિદેશી નાગરિકો ને ૨૦૦ જેટલા કાર્ટૂનમાંથી લાખો પેકેટ ગુજરાતની સીમામાં ઘુસે તે પહેલા કોસ્ટગાર્ડે ઝડપી લીધા

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૨૨ : ગુજરાત કોસ્ટગાર્ડે તાજેતર માંજ દ્વારકા નજીક થી શંકાસ્પદ ૨૦૦ કિલો નશીલા જેવો પદાર્થ ઝડપેલ હતો 

આજે ફરીથી દ્વારકા થી ૧૧૫ નોટિકલ માઈલ દૂરથી ઇરાની અલ અખતર નામની બોટ સાથે ૪ વિદેશી નાગરિકો ને ૨.૫ કરોડ ની સિગારેટ ના ૨૦૦ જેટલા કાર્ટૂન માંથી લાખો પેકેટ કોસ્ટગાર્ડ ગુજરાતની સીમામાં ઘુસે તે પહેલા ષડયંત્ર નાકામયાબ કર્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા એક અત્યંત મહત્વનું અને સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડના જવાનોએ મધદરિયે એક શંકાસ્પદ બોટને આંતરી હતી. આ બોટની તલાશી લેતા તેમાંથી અંદાજે અઢી કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે જ બોટમાં સવાર ચાર ઈરાની નાગરિકોની પણ અટકાયત કરવામાં આવી છે. આ ઓપરેશન દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યું છે કારણ કે આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, કોસ્ટ ગાર્ડની પેટ્રોલિંગ ટીમને બાતમી મળી હતી કે એક વિદેશી બોટ ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે પ્રવેશ કરી રહી છે. આ માહિતી મળતા જ કોસ્ટ ગાર્ડના જહાજોએ તે દિશામાં કૂચ કરી હતી અને બોટને ઘેરી લીધી હતી. પ્રારંભિક પૂછપરછમાં બોટમાં સવાર ચાર શખસો ઈરાની મૂળના હોવાનું બહાર આવ્યું છે. તેમની પાસે ભારતીય જળસીમામાં પ્રવેશવા માટેના કોઈ માન્ય દસ્તાવેજો મળી આવ્યા નથી. બોટની અંદર ગુપ્ત ખાનાઓ બનાવીને તેમાં વિદેશી સિગારેટના અસંખ્ય કાર્ટન છુપાવવામાં આવ્યા હતા.અઢી કરોડનો આ સિગારેટનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના કયા બંદરે ઉતારવાનો હતો તે દિશામાં હવે તપાસ તેજ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા ચારેય ઈરાની શખસોને હાલમાં ઓખા બંદર પર લાવવામાં આવ્યા છે, જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલામાં ડ્રગ્સ અથવા અન્ય કોઈ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. ખાસ કરીને દ્વારકા અને ઓખાનો દરિયાકાંઠો સંવેદનશીલ હોવાથી આવી શંકાસ્પદ બોટ ઝડપાતા સુરક્ષા તંત્ર સતર્ક બની ગયું છે. જપ્ત કરાયેલી બોટ અને સિગારેટના જથ્થાને કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત વિભાગોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સફળ ઓપરેશન બાદ સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

 

(2:53 PM IST)