<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

ધોરાજીમાં માનવતા મરી પરવારી: પાડોશી નરાધમે ૧૨ વર્ષની માસૂમ બાળકીને બે વર્ષ સુધી હવસનો શિકાર બનાવી

મોતની ધમકી આપી માસૂમ પર અત્યાચાર ગુજારનાર હનીફ ફકીરના પાપનો ઘડો ભરાયો: ધોરાજી પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને જેલના સળિયા પાછળ ધકેલ્યો

ધોરાજી: રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં પાડોશી ધર્મને લજવતી એક અત્યંત ક્રૂર અને હચમચાવી નાખતી ક્રાઈમની ઘટના સામે આવી છે. શહેજાદાપીરની દરગાહ પાસે રહેતા હનીફ નીયાજુભાઈ ફકીર નામના શખ્સે તેની પાડોશમાં રહેતી માત્ર ૧૨ વર્ષથી નાની વયની માસૂમ બાળકીને છેલ્લા બે વર્ષથી પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ નરાધમે બાળકીને લલચાવી-ફોસલાવી અને ત્યારબાદ "જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપીને સતત શારીરિક શોષણ કર્યું હતું. આ માસૂમ બાળકી છેલ્લા બે વર્ષથી મોતનો ડર બતાવીને આચરવામાં આવતી આ હેવાનિયતને મુંગા મોઢે સહન કરી રહી હતી.
અંતે આ નરક સમાન અત્યાચારની જાણ બાળકીના પરિવારને થતા તેમના હોશ ઉડી ગયા હતા. પરિવારે હિંમત હાર્યા વગર તુરંત જ ધોરાજી સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર મામલાની સંવેદનશીલતાને જોતા રાજકોટ ગ્રામ્ય એસ.પી. વિજયસિંહ ગુર્જર અને ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. પી.આઈ. કે.એસ. ગરચર અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં જ ભાગી છૂટવાની ફિરાકમાં રહેલા આરોપી હનીફ ફકીરને દબોચી લીધો હતો.
પોલીસે આરોપી હનીફ ફકીરની કડક ધરપકડ કરી તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૬૪(૨), ૬૫(૨) તેમજ પોક્સો એક્ટ (POCSO) ની કલમ ૬ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ નરાધમે કરેલા કૃત્યની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ હવે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીએ અગાઉ અન્ય કોઈ બાળકીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ. આ ઘટનાને પગલે સમગ્ર ધોરાજી પંથકમાં નરાધમ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.

(12:57 PM IST)