News of Sunday, 22nd February 2026
ગીર સોમનાથમાં ખનીજ માફિયાઓ પર તંત્રની સર્જિકલ સ્ટ્રાઈક: ઉના અને સુત્રાપાડામાં દરોડા પાડી રૂ.65 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાણ-ખનીજ વિભાગ અને મામલતદારની ટીમોએ દરિયાઈ પટ્ટી અને બાયપાસ રોડ પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ હાથ ધરી 8 કેસ નોંધ્યા: ખનીજ ચોરી કરતા 5 ટ્રેક્ટરો સીઝ

વેરાવળ / ઉના: ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદે ખનીજ ચોરીની પ્રવૃત્તિઓને ડામવા માટે ખાણ-ખનીજ વિભાગ અને મહેસૂલ તંત્રએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ, ખાણ અને ખનીજ કચેરીની ટીમ તેમજ મામલતદારની ટુકડીઓએ ઉના અને સુત્રાપાડા તાલુકામાં સઘન ચેરૂ.કિંગ હાથ ધરીને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ કુલ 8 જેટલા ગંભીર કેસો નોંધીને અંદાજે રૂ.65 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખાસ કરીને દરિયાઈ પટ્ટી અને નવનિર્મિત બાયપાસ વિસ્તારોમાં તંત્રની આ તાબડતોબ તપાસથી ગેરકાયદે ખનન કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
તંત્ર દ્વારા ઉના તાલુકાના નળિયા માંડવી, નવા બંદર, દરિયાઈ પટ્ટી વિસ્તાર તેમજ ઉના બાયપાસ પર ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન રેતીનું બિનઅધિકૃત વહન કરતા 2 ટ્રેક્ટરો ઝડપાયા હતા. આ ઉપરાંત, બિલ્ડિંગ લાઈમસ્ટોનના ગેરકાયદે હેરફેર મામલે પણ 3 ટ્રેક્ટરોને સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશનમાં ઉના તાલુકામાંથી 7 અને સુત્રાપાડા તાલુકામાંથી 1 મળી કુલ 8 કેસો નોંધવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા તમામ વાહનોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના માલિકો વિરુદ્ધ કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા તત્વો સામે તંત્રએ હવે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે અને જે કોઈ પણ વ્યક્તિ પરવાનગી વગર ખનીજ ખનન કે વહન કરતા પકડાશે તેની સામે સખત ગુનો દાખલ કરવામાં આવશે. આ કાર્યવાહીને પગલે રેતી અને પથ્થરની ગેરકાયદે હેરાફેરી કરતા નેટવર્ક પર મોટી બ્રેક લાગી છે. પોલીસ અને મહેસૂલ વિભાગના આ કડક વલણથી ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
