તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 22nd February 2026
જુનાગઢ શિવરાત્રી મેળામાં વિવાદ બાદ કીર્તિ પટેલની રાજસ્થાનમાંથી ધરપકડ : યુવાનના આપઘાત પ્રયાસ મામલે પોલીસની કાર્યવાહી
જુનાગઢ શિવરાત્રી મેળામાં કીર્તિ પટેલે સાધુ-સંતો સાથે પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કર્યું હતું જે ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો હતો સાધુ-સંતો અને સનાતન ધર્મના અનુયાયીઓએ આ કૃત્ય સામે કડક વિરોધ નોંધાવ્યો'તો

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૨ : સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી કીર્તિ પટેલની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ તાજેતરમાં જુનાગઢના ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રી મેળા દરમિયાન થયેલા એક વિવાદ અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિના સંદર્ભમાં કરવામાં આવી છે.
જુનાગઢ શિવરાત્રી મેળામાં કીર્તિ પટેલે સાધુ-સંતો સાથે પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કર્યું હતું, જે ઘટનાએ ભારે વિવાદ જગાવ્યો હતો. સાધુ-સંતો અને સનાતન ધર્મના અનુયાયીઓએ આ કૃત્ય સામે કડક વિરોધ નોંધાવ્યો હતો અને પવિત્ર પરંપરાઓના ભંગ બદલ તેની સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ વિવાદ હજુ શાંત પડ્યો ન હતો ત્યાં વધુ એક ગંભીર મામલો સામે આવ્યો હતો.
બે દિવસ પહેલા કીર્તિ પટેલ અને તેના કેટલાક સાથીદારોએ એક યુવાનને સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમથી ગંભીર ધમકીઓ આપી હોવાનો આક્ષેપ થયો છે. આ ધમકીઓથી માનસિક રીતે ભાંગી પડેલા યુવાને હિંમત હારીને ફિનાઈલ પી લીધું હતું અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પીડિત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવને પગલે પોલીસ હરકતમાં આવી હતી અને કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કીર્તિ પટેલ ગુજરાત છોડીને રાજસ્થાનમાં છુપાયેલી છે. જેવી પોલીસને તેની સચોટ માહિતી મળી, તેવી જ રીતે પોલીસની એક ટીમે રાજસ્થાનમાં દરોડો પાડીને તેની અટકાયત કરી છે. કીર્તિ પટેલ અગાઉ પણ અનેક વખત વિવાદોમાં રહી ચુકી છે અને તેની સામે અનેક પોલીસ ફરિયાદો પણ નોંધાયેલી છે. જુનાગઢ પોલીસ હવે કીર્તિ પટેલને ગુજરાત લાવીને આ સમગ્ર મામલે વિસ્તૃત પૂછપરછ કરશે. ધમકી આપવા પાછળનું મુખ્ય કારણ શું હતું અને આમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. આ ધરપકડથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
