News of Sunday, 22nd February 2026
હોળી અને ઉનાળાના વેકેશનમાં રેલવેની મોટી ભેટ: ભાવનગર મંડળની 4 લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચ વધારી મુસાફરોને અપાશે મોટી રાહત
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા મહત્વનો નિર્ણય: મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં હવે ઓછામાં ઓછા 4 જનરલ કોચ ઉપલબ્ધ કરાવાશે

ભાવનગરઃ પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળી અને ઉનાળાના વેકેશનમાં મુસાફરોનો ધસારો પહોંચી વળવા માટે કાયમી ધોરણે જનરલ કોચ વધારવાનો નિર્ણય લેવાયો છે. રેલવે બોર્ડના આદેશ મુજબ ભાવનગર મંડળની મહત્વની 4 ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધારવામાં આવી છે, જેનાથી સામાન્ય અને શ્રમિક વર્ગના મુસાફરોની મુસાફરી વધુ સુગમ બનશે.
અમદાવાદ: હોળી અને વેકેશનની સીઝન પૂર્વે રેલવેમાં મુસાફરી કરતાં મુસાફરોને રાહત મળી રહેવાની છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડના દિશાનિર્દેશો અનુસાર, પ્રત્યેક મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં ઓછામાં ઓછા 4 જનરલ કોચ ઉપલબ્ધ કરાવવાની યોજના હેઠળ ભાવનગર મંડળમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ કોચની સંખ્યામાં કાયમી વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સામાન્ય શ્રેણીમાં મુસાફરી કરતા મુસાફરોને બેસવા માટે વધારાની જગ્યા મળશે અને ટ્રેનોમાં થતી ભીડનું વ્યવસ્થાપન વધુ સુદ્રઢ બનશે.
મળતી વિગતો અનુસાર, આ ફેરફાર મુજબ, પોરબંદર-શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ (૧૨૯૦૫/૦૬) અને પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ (૨૦૯૬૮/૬૭) માં જનરલ કોચની સંખ્યા ૩ થી વધારીને ૪ કરવામાં આવશે. આ વધારાના કોચ પોરબંદરથી અનુક્રમે ૨૯ એપ્રિલ અને ૨૮ એપ્રિલ ૨૦૨૬ થી અમલી બનશે.
આ ઉપરાંત, પોરબંદર-સાંતરાગાછી-પોરબંદર એક્સપ્રેસ (૧૨૯૪૯/૫૦) માં જનરલ કોચની સંખ્યા ૨ થી વધારીને સીધી ૪ કરવામાં આવશે, જે પોરબંદરથી ૧ મે ૨૦૨૬ થી લાગુ થશે. ઓખા–શાલીમાર એક્સપ્રેસ (22905/22906)માં પણ જનરલ કોચની સંખ્યા 3થી વધારીને 4 કરવામાં આવી છે. આ ફેરફાર ઓખાથી 26 એપ્રિલ 2026 અને શાલીમારથી 28 એપ્રિલ 2026થી લાગુ થશે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
