<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

સુરેન્દ્રનગર ફાયર સ્ટેશન પાસે રસ્તો ઓળંગતા યુવકને રિક્ષા અને બોલેરોએ અડફેટે લેતા મોત

અકસ્માતમાં એક યુવકનું બે વાહનોની અડફેટે આવતા ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું

સુરેન્દ્રનગર શહેરમાં ગત 18ના ફાયર સ્ટેશન પાસે સર્જાયેલા એક કરૂણ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. આ અકસ્માતમાં એક યુવકનું બે વાહનોની અડફેટે આવતા ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, સાહિલ નામનો યુવક સુરેન્દ્રનગર શહેરના ફાયર બ્રિગેડ પાસે પાન ખાવા માટે ગયો હતો. જ્યારે તે રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે સૌ પ્રથમ એક રિક્ષા ચાલકે તેને અડફેટે લીધો હતો. રિક્ષાની ટક્કરને કારણે સાહિલ રોડ પર પટકાયો હતો. કમનસીબે, તે જ સમયે બીજી તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બોલેરો પીકઅપ વાન તેની પર ફરી વળી હતી.

 

આ બેવડા અકસ્માતમાં સાહિલને માથાના ભાગે, પીઠ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓ જીવલેણ સાબિત થઈ હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

 

 

(6:02 PM IST)