તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના સંગઠનમાં નવા અધ્યાયની શરૂઆત : નવનિયુક્ત પ્રમુખ હાર્દિક ટમાલિયાનો ભવ્ય અભિવાદન સમારોહ
સમારોહમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિત જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પૂર્વ ધારાસભ્યોએ હાજરી આપી પક્ષની આંતરિક એકતાનું પ્રદર્શન કર્યું

સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના સંગઠનમાં નવા અધ્યાયની શરૂઆત કરતા નવનિયુક્ત પ્રમુખ હાર્દિક ટમાલિયાનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. ઝાલાવાડના રાજકીય ફલક પર આ નિમણૂક અત્યંત મહત્વની માનવામાં આવે છે, કારણ કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે સંગઠનને મજબૂત કરવાની જવાબદારી હવે નવા નેતૃત્વના શિરે છે. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિએ કાર્યકરોમાં નવો ઉત્સાહ પૂરો પાડ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પક્ષની શક્તિ તેના પાયાના કાર્યકરોમાં છે અને હાર્દિક ટમાલિયાના નેતૃત્વમાં જિલ્લાનું સંગઠન વધુ વેગવંતુ બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ સમારોહમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિત જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પૂર્વ ધારાસભ્યોએ હાજરી આપી પક્ષની આંતરિક એકતાનું પ્રદર્શન કર્યું હતું. હાર્દિક ટમાલિયાનું ફૂલહાર અને સ્મૃતિચિહ્ન સાથે સન્માન કરવામાં આવ્યું ત્યારે તેમણે પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું કે, તેમનું પ્રાથમિક લક્ષ્ય 'પેજ સમિતિ' અને 'શક્તિ કેન્દ્ર' જેવા પાયાના સ્તરોને વધુ સક્રિય કરી ભાજપની વિચારધારાને છેવાડાના ગામડાં સુધી પહોંચાડવાનું રહેશે.
સુરેન્દ્રનગર જિલ્લો પરંપરાગત રીતે ભાજપનો ગઢ રહ્યો છે, ત્યારે જ્ઞાતિગત સમીકરણો અને સંગઠનાત્મક માળખાને સંતુલિત રાખવા માટે આ નવું નેતૃત્વ નિર્ણાયક સાબિત થઈ શકે છે. સંતો-મહંતોના આશીર્વાદ અને વિવિધ સમાજના અગ્રણીઓની હાજરી સાથે આ કાર્યક્રમ માત્ર રાજકીય મેળાવડો ન રહેતા એક સામાજિક ગૌરવના અવસર તરીકે સંપન્ન થયો હતો.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
