News of Monday, 23rd February 2026
જામનગર માવતરના ઘરે સળગી જનારા શાપરાના પરિણીતા ચાર્મીબેનનું મોત
બે સંતાનને મુકી બે મહિનાથી માવતરે ગયા બાદ મરી જવાના વિચાર આવતાં હોવાથી ટર્પેન્ટાઇન છાંટીને અગ્નિસ્નાન કર્યુ હતું

રાજકોટ તા. ૨૩: શાપર વેરાવળમાં સાસરૂ ધરાવતી પરિણીતા બે મહિનાથી જામનગર માવતરના ઘરે રોકાઇ હોઇ અહિ ૧૭મીએ મોડી રાતે શરીરે ટપેન્ટાઇન નામનું કેમીકલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ તેનું મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ શાપરમાં શિતળા માતાના મંદિર પાસે રહેતી ચાર્મીબેન મયુરભાઇ લુણાસરીયા (ઉ.વ.૨૮) ૧૭/૨ના રાતે અઢી વાગ્યે જામનગરમાં રામેશ્વર ચોક શંકર ભગવાનના મંદિર પાસે રહેતાં પિતા જગદીશભાઇ બારોટના ઘરે હતી ત્યારે શરીરે ટપેન્ટાઇન છાંટી સળગી જતાં જામનગર જી. જી. હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગર બી-ડિવીઝનમાં જાણ કરી હતી. સારવાર દરમિયાન ગત રાતે તેણીએ દમ તોડી દીધો હતો.
ચાર્મીબેનના પતિ મયુરભાઇ કલરકામ કરી ગુજરાન ચલાવે છે. તેણીને સંતાનમાં બે પુત્ર છે. બે મહિના પહેલા તેણી સંતાનોને સાસરીયામાં મુકી જામનગર પોતાના માવતરના ઘરે અમસ્તા જ રોકાવા માટે આવી હતી. ત્યારથી તે માવતરે જ હતી. તેણીએ એવુ રટણ કર્યુ હતું કે મને મરી જવાના વિચાર આવતાં હોવાથી આ પગલુ ભર્યુ હોવાનું જણાવાયું હતું. વધુ તપાસ જામનગર પોલીસ કરી રહી છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
