<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

મોરબીમાં સોની યુવકની હત્યા મામલે સગીર આરોપીને કડક સજા માટે કાયદામાં સુધારો કરવા રજૂઆત.

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના શનાળા રોડ જેવા પોશ વિસ્તારમાં બનેલી લોહિયાળ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સામાન્ય હોર્ન વગાડવાની બાબતે સગીર વયના શખ્સો દ્વારા એક નિર્દોષ સોની યુવાનની કરપીણ હત્યા કરી નાખવામાં આવતા લોકરોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મુદ્દે હવે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી કાયદામાં કડક સુધારા કરવાની માંગ કરી છે.

      કે.ડી. બાવરવાએ પત્રમાં વેધક સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, આરોપીઓ સગીર હોવાથી તેમને કાયદો કડક સજા કરી શકતો નથી તેવી ચર્ચાઓ જનતામાં થઈ રહી છે. પરંતુ સવાલ એ છે કે, શું સાઈડ માંગવા માટે હોર્ન વગાડવું એ કોઈ ગુનો છે? જો સગીરો આવી ગંભીર હિંસા કરીને કાયદાની છટકબારીનો લાભ લેશે, તો ભવિષ્યમાં ગુનાખોરી બેફામ બનશે.
    આ ઘટનાની સૌથી કરુણતા એ છે કે મૃતક યુવાનને માત્ર ૧૧ માસની માસૂમ દીકરી છે. પિતાના પ્રેમથી વંચિત રહેલી આ બાળકી અને વિધવા થયેલી માતાને ન્યાય કોણ અપાવશે? શું સગીર હોવાની આડમાં ગુનેગારોને મોકળું મેદાન મળી જશે? તેવા સવાલો સાથે તંત્ર અને સમાજની ચુપકીદી પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવ્યું છે.
નિર્ભયા કાંડની જેમ કાયદામાં સુધારો કરવાની માંગ.

(9:07 PM IST)