<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

એટીએમમાંથી ૧૦,ર૦ અને પ૦ની નોટો મળે તેવી વ્‍યવસ્‍થાની જરૂર

પોરબંદરના અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાની સરકારમાં રજૂઆતઃ વ્‍યવહારોમાં નાની રકમની નોટો માટે ભારે મુશ્‍કેલી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : ર૪, રાજ્‍યભરના એ.ટી.એમ. સેન્‍ટરોમાં ૧૦, ૨૦ અને ૫૦ રૂપિયાની નોટ ઉપલબ્‍ધ કરાવવી જરૂરી બની છે ,  હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું છે કે,પોરબંદર સહિત સમગ્ર ગુજરાત રાજ્‍યમાં એ.ટી.એમ. સેન્‍ટરોમાં ૧૦, ૨૦ અને ૫૦ રૂપિયાની નોટો ઉપલબ્‍ધ કરાવવા અંગે ઙ્કબળ માંગ ઉઠી છે. દૈનિક જીવનના નાના-મોટા રોકડ વ્‍યવહારો માટે પૂરતા પ્રમાણમાં નાની નોટો ઉપલબ્‍ધ ન હોવાને કારણે સામાન્‍ય નાગરિકોને વારંવાર મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર પ્રશ્‍નને લઈ પોરબંદરની હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટસંસ્‍થા દ્વારા રાજ્‍ય સરકાર અને સંબંધિત બેંકિંગ તંત્ર સમક્ષ સવિસ્‍તાર રજુઆત કરવામાં આવી છે.

સંસ્‍થાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે હાલમાં રાજ્‍યના મોટાભાગના એ.ટી.એમ. મશીનોમાં મુખ્‍યત્‍વે ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટો જ ઉપલબ્‍ધ હોય છે.૧૦, ૨૦ અને ૫૦ રૂપિયાની નોટો મોટાભાગે મળતી જ નથી.પરિણામે સામાન્‍ય નાગરિકોને રોજિંદા જીવનમાં અનેક પ્રકારની અડચણો ઊભી થાય છે.

દૈનિક જીવનમાં નાની નોટો માત્ર સુવિધા નથી, પરંતુ સામાન્‍ય જીવન માટે અનિવાર્ય સાધન છે.શહેરો તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં શાકભાજી, ફળફ્રૂટ, દૂધ, નાસ્‍તો, ચા-નાસ્‍તાની લારીઓ, નાના હોકરો, ઓટો રિક્ષા, બસ ભાડું, ર્પાકિંગ ચાર્જ, મંદિર દાન, શાળા ફી અથવા નાના ચંદા જેવા અસંખ્‍ય વ્‍યવહારોમાં ૧૦, ૨૦ અને ૫૦ રૂપિયાની નોટોની ખાસ જરૂર રહે છે.મોટી નોટો (જેમ કે ૨૦૦ કે ૫૦૦) આપતાં વેપારીઓ પાસે ઘણી વાર છૂટા નાણા ઉપલબ્‍ધ નથી હોતા.પરિણામે ગ્રાહક અને વેપારી બંને માટે અસુવિધાજનક પરિસ્‍થિતિ સર્જાય છે.ઘણા પ્રસંગોએ લોકો ખરીદી ટાળી દે છે અથવા ઉધાર લખાવી દે છે, જે વ્‍યવસાયિક વ્‍યવહાર માટે યોગ્‍ય નથી.

ડિજિટલ યુગ હોવા છતાં રોકડ વ્‍યવહારનું મહત્‍વ

આધુનિક ડિજિટલ યુગમાં ઓનલાઈન પેમેન્‍ટ, યુ.પી.આઈ. અને કાર્ડ વ્‍યવહારનો વ્‍યાપ વધ્‍યો છે,છતાં દરેક વ્‍યક્‍તિ માટે ડિજિટલ વ્‍યવહાર શકય નથી.ખાસ કરીને વળદ્ધો, ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રહેતા લોકો, મજૂર વર્ગ, રોજિંદા આવક પર આધારિત પરિવારો અને નાના વેપારીઓ માટે રોકડ વ્‍યવહાર હજી પણ મુખ્‍ય સાધન છે.ઘણા નાના વેપારીઓ પાસે ડિજિટલ પેમેન્‍ટ સ્‍વીકારવાની સુવિધા નથી. કેટલાક વિસ્‍તારોમાં નેટવર્ક સમસ્‍યા હોવાને કારણે પણ ઓનલાઈન પેમેન્‍ટ શકય બનતું નથી. આવી સ્‍થિતિમાં રોકડ જ એકમાત્ર વિકલ્‍પ રહે છે,અને તે પણ જો નાની નોટો ઉપલબ્‍ધ ન હોય તો સમસ્‍યા ગંભીર બની જાય છે. તેમ રામદેવભાઇ મોઢવાડિયાએ સરકારને રજૂઆતમાં જણાવેલ છે.  

 

(10:42 AM IST)