<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

યુ-ટયુબર કીર્તિ પટેલ પર ભવનાથ પોલીસ સ્‍ટેશનના ગુનાની લટકતી તલવાર

ખંડણી કેસમાં જામીન બાદ ધાર્મિક આસ્‍થાને ઠેસ પહોંચાડવાના ગુનામાં આજે હાજર થવાનું રહેશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૪: જૂનાગઢ તાલુકા પોલીસ મથકના ખંડણી કેસમાં યુ-ટયુબર કીર્તિ પટેલને સોમવારે કોર્ટે જામીન આપ્‍યા હતા અને આજે ભવનાથ પોલીસ સ્‍ટેશનના ગુનામાં હાજર થવા પરમાન કર્યું હતું.

મૂળ સુરેન્‍દ્રનગર જિલ્લાના વાઘેલા ગામના અને સુરતમાં પર્વત પાટિયા પાસે આવેલ કુશલ દુશાન એપાર્ટમેન્‍ટના ૩૪ વર્ષીય કીર્તિ રણછોડભાઈ અડાલજા પટેલ સહિત ૫ શખ્‍સ સામે જૂનાગઢ તાલુકાના ગલિયાવડ ગામના યુવાનને ફોન પર ગાળો આપી બળાત્‍કારના ખોટા કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા ૨૦ લાખની ખંડણી માંગવા કેસમાં રવિવારે જૂનાગઢ પોલીસે ઉદયપુર ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી.

રવિવારે સાંજે કોર્ટમાં રજૂ કરી સોમવાર સાંજ સુધી એક દિવસના રિમાન્‍ડ પર મેળવી હતી. સોમવારે સાંજે રિમાન્‍ડ પુરા થતા કીર્તિને ચોથા એડિશનલ ચીફ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે સાથે કીર્તિએ જામીન અરજી રજૂ કરી હતી.

અદાલતે બંને પક્ષની દલીલને સાંભળી કીર્તિ પટેલના રૂપિયા ૨૫,૦૦૦ના જામીન મંજૂર કર્યા હતા અને તેના વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા ધાર્મિક આસ્‍થાને ઠેસ પહોચાડવાના ગુનામાં હાજર થવા ફરમાન કરવામાં આવ્‍યું હતું.

ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના મેળાની અંતિમ રાત્રે ભવનાથ મંદિરે મળગીકુંડમાં સાધુ સંતો સાથે ભગવા વસ્‍ત્રો પહેરીને કીર્તિએ સ્‍નાન કર્યું હતું અને આ દરમિયાન મહિલા પીઆઈની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ કીર્તિ પટેલ સામે નોંધાઈ હતી

(11:13 AM IST)