<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

વાંકાનેરની પરિણીતા રૂપલ સરૈયાનું બેભાન થયા બાદ મોતઃ માવતરને મૃત્‍યુ અંગે શંકા

સાસરિયાએ તેણીનું બ્‍લડપ્રેશર વધી જતાં રાજકોટ લઇ આવ્‍યાનું કહ્યું: ઝેરથી મોત થયાની શંકા ઉપજતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ માસુમ પુત્ર મા વિહોણો થયો

રાજકોટ તા. ૨૪: વાંકાનેરના ભરવાડપરામાં રહેતી રૂપલબેન અવધભાઇ સરૈયા (ઉ.વ.૨૮) નામની પરિણીતા સાંજે સાડા ચારેક વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. માવતર પક્ષને આ મૃત્‍યુ શંકાસ્‍પદ જણાતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ રૂપલબેન સાંજે ઘરે બેભાન જેવી થઇ જતાં રાજકોટ દાખલ કરવામાં આવી હતી. પણ ટુંકી સારવારમાં દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી. રૂપલબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરો છ.ે પતિ અવધ ભુપતભાઇ સરૈયા આર.ઓ. પ્‍લાન્‍ટનું કામ કરે છે.

મૃતકના માવતર વાંકાનેરના કોઠારીયા જડેશ્વરમાં રહે છે. તેણીના ભાઇ મુન્‍નાભાઇ રાણાભાઇ સાટકાએ જણાવ્‍યું હતું કે અમે પાંચ બહેન, એક ભાઇમાં મૃત્‍યુ પામનાર રૂપલબેન પાંચમા નંબરે હતી. સાંજે તેણીના સાસરીયાનો ફોન આવ્‍યો હતો કે રૂપલબેનનું બ્‍લડપ્રેશર વધી ગયું છે, ઝાડા ઉલ્‍ટી જેવુ થઇ ગયું છે જેથી અમે રાજકોટ હોસ્‍પિટલમાં લઇ જઇએ છીએ, તમે પણ આવો. આ ફોન આવતાં હું રાજકોટમાં જ કામ માટે આવ્‍યો હોઇ હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો. જો કે સારવારમાં મારા બહેનનું મૃત્‍યુ થયું હતું. કદાચ ઝેરથી મૃત્‍યુ થયાની અમને શંકા હોઇ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે. રિપોર્ટ આવ્‍યા બાદ અમે આગળ કાર્યવાહી કરશું. 

(1:33 PM IST)