<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ગોંડલ યાર્ડમાં સવા લાખ ગુણી ધાણા, ૨૫ હજાર ભારી ગોંડલીયા મરચાની આવક

લાલ મરચાના મણના ૧૫૦૦ થી ૮ હજાર અને ધાણાનાં રૂ.૧૧૦૦ થી ૨૪૦૦ ભાવ બોલાયો

તસ્‍વીરમાં ધાણા અને લાલ મરચાં નજરે પડે છે.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૫: સૌરાષ્‍ટ્રનાં અગ્રીમ ગણાંતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સિજનેબલ મરચાની આવક શરુ થવાં પામી છે. મરચાની ૨૫ હજાર ભારીની આવક થઇ હતી. મરચાનો રુ.૧૫૦૦ થી ૮૦૦૦ ભાવ બોલાયો હતો.આવક માં સાનિયા,રેવા, દેશી,રેશમ પટ્ટો તથા ઘોલર મરચાનો સમાવેશ થાય છે. ગોંડલનું મરચુ દેશ વિદેશમાં પ્રખ્‍યાત છે.ખાસ કરીને ઘોલર મરચું અથાણાં માટે હોટ ફેવરીટ છે.

માર્કેટ યાર્ડમાં ઘઉંનાં ૩૦ હજાર કટ્ટાની આવક થવા પામી છે. જેમાં લોકવનનો ભાવ રુ.૪૫૦ થી રુ.૫૫૦ અને ટુકડા ઘઉ નો રુ.૪૫૦ થી રુ.૬૫૦ બોલાયો હતો. ઉપરાંત ધાણાની ૨૫ હજાર ગુણીની આવક થવા પામી છે. જેમાં ધાણાનો રુ.૧૧૦૦ થી ૨૪૦૦ તથા ધાણીનો રુ.૧૨૦૦ સુધીનાં ભાવ બોલાયાં હતાં.

નવી સિઝન ની શરુઆત થતા ૧૦૦ એકરમાં પથરાયેલું માર્કેટ યાર્ડ ટુંકુ પડતા હાલ તુરંત આવક બંધ કરાઇ છે.

સૌરાષ્‍ટ્રનુ અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરાતા જ વાહનોની કતારો લાગી હતી. યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે ગીર સોમનાથ, જૂનાગઢ પોરબંદર સહિત સૌરાષ્‍ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ધાણા લઈને આવ્‍યા હતા. પુષ્‍કળ આવક સાથે સિઝનની રેકોર્ડ બ્રેક સવા લાખ ગુણી ધાણાની આવક થઈ હતી. જેમાં ખેડૂતોને ૨૦ કિગ્રાના ૧૧૦૦ થી ૨૪૦૦ સુધીના ભાવ મળ્‍યા હતા. બીજી તરફ મરચાની પણ પુષ્‍કળ આવક થતા યાર્ડ ગોંડલીયા મરચાથી છલકાયું હતું. મરચાની સિઝનની રેકોર્ડ બ્રેક ૨૫૦૦૦ ભારીની આવક થઈ હતી. જેમાં ખેડૂતોને ૨૦ કિગ્રાના ૧૫૦૦ થી લઈને ૮૦૦૦ સુધીના ભાવ મળ્‍યા હતા. હાલ બીજી જાહેરાત ન થાય ત્‍યાં સુધી ધાણા અને મરચાની આવક બંધ કરવામાં આવી છે તેમ યાર્ડના સતાધીશોએ જણાવ્‍યું હતું

(12:17 PM IST)