News of Wednesday, 25th February 2026
જમીનના ભાયુભાગ મામલે ધોકા-ધારીયા ઉડયાઃ બે ભાઇ, ભત્રીજાને ઇજા
સાયલાના કોટડા ગામનો બનાવઃ ત્રણેય રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૫: સુરેન્દ્રનગરના સાયલા તાબેના કોટડા ગામે બે ભાઇઓના પરિવાર વચ્ચે લાંબા સમયથી ચાલતાં જમીનના ભાયુભાગના વિખવાદમાં ગત સાંજે વાડી વિસ્તારમાં ફરીથી બોલાચાલી થતાં એક બીજા પર ધોકા-ધારીયાથી હુમલો કરતાં બે સગા ભાઇ અને એક ભત્રીજાને ઇજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં સાયલા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ સાયલાના કોટડા ગામે રહેતાં સુખાભાઇ વાલાભાઇ વાળા (ઉ.વ.૫૨) સાંજે વાડી વિસ્તારમાં પોતાની વાડી પાસે હતાં ત્યારે તેમના સગા મોટા ભાઇ નથુભાઇ સહિતે ધોકાથી માર મારતાં ઇજા થતાં રાજકોટ સારવાર માટે દાખલ થયા છે. તેણે જણાવ્યું હતું કે ખેતીની જમીનના ભાયુભાગ મામલે ભાઇઓ વચ્ચે માથાકુટ ચાલે છે, આ કારણે બોલાચાલી કરી હુમલો કરાયો હતો.
સામા પક્ષે સુખાભાઇના મોટા ભાઇ નથુભાઇ વાલાભાઇ વાળા (ઉ.વ.૫૫) અને ભત્રીજો વિજય નથુભાઇ વાળા (ઉ.વ.૩૦) પણ પોતાના ઉપર સુખાભાઇ, અશ્વીન સહિતે ધારીયાથી હુમલો કર્યો હોવાનું કહ્યું હતું. તેણે પણ જમીનના ભાગ મામલે મનદુઃખ ચાલતુ હોઇ તેના કારણે મારામારી થયાનું કહ્યું હતું. હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બંને એન્ટ્રી ધજાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
