News of Wednesday, 25th February 2026
રાજુલામાં શનિવારે જળસંમેલન અને લોકડાયરો
સી.આર.પાટીલ માર્ગદર્શન આપશે : ચેકડેમ, બોર રિચાર્જ અને તળાવો ઉંડા કરવાના સંકલ્પ લેવાશે

રાજકોટ : અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આગામી ૨૮ ફેબ્રુઆરીને શનિવારના રોજ જળ સંરક્ષણ અને જળ સંચયના ઉમદા હેતુથી એક ભવ્ય જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, રાજકોટ અને શ્રી રાજુલા તાલુકા કળષિ સેવા સહકારી મંડળી, રાજુલાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે સાંજે ૪ કલાકે યોજાશે.
આ સંમેલનના અધ્યક્ષ સ્થાને ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ માર્ગદર્શન આપશે. ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી અને અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા તેમજ રાજ્યના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા અને પ્રદેશ મહામત્રી શ્રી અનિરૂદ્ધ દવે પણ આ જળ સંમેલનમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે.
આ જળ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંચયની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન નવા ચેકડેમ બનાવવા, એકડેમોને ઊંચા કરવા અને ઊંડા ઉતારવા નિષ્ફળ ગયેલા બોરને રિચાર્જ કરવા, ગામના તળાવોને ઊંડા ઉતારવા વગેરે માટેના મક્કમ સંકલ્પ લેવામાં આવશે, જેથી ખેડૂતો અને ગ્રામીણ જનતાને પાણીની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી શકે.
આ સંમેલનની સાથે લોકગાયક શ્રી રાજભા ગઢવી, શ્રી મયુરભાઈ દવે અને શ્રી પોપટભાઈ માલધારી લોકડાયરાની રમઝટ બોલાવશે. આ પ્રસંગે રાજુલા- જાફરાબાદના ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓના ધારાસભ્યો, જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરીમલ પંડયા પણ ઉપસ્થિત રહેશે.
ધારાસભ્ય શ્રી અંબરીષ જે. ડેર અને માર્કેટિંગ યાર્ડ પરિવાર - રાજુલા દ્વારા તમામ નાગરિકો અને ખેડૂતોને આ જળ સંમેલનમાં હાજરી આપવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
