News of Wednesday, 25th February 2026
મોરબીમાં નાના વેપારીઓ માટે મંડપ ચાર્જ રાજકોટ કરતા પાંચ ગણો વધુ ! કોંગ્રેસ પ્રમુખ
તહેવારના સમયમાં નાના વેપારીઓ વસ્તુ વહેંચી પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે તે માટે મંડપ ચાર્જ ઘટાડવા શહેર કોંગ્રેસ પ્રમુખની કમિશનરને રજુઆત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર મંડપ નાખવા માટે વસુલવામાં આવતા ચાર્જ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને આ ચાર્જ ઘટાડવા અને રાજકોટ મહાનગરપાલિકા મુજબનો ચાર્જ લાગુ ક૨વા માંગ કરી છે.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે, મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં નગરજનો દ્વારા જાહેર માર્ગ કે પ્રોપર્ટી પર 90 x 10 નો મંડપ નાખવામાં આવે તો તેનો એક દિવસનો ચાર્જ રૂપિયા 2500 વસુલવામાં આવે છે. જયારે વર્ષોથી ચાલતી આવતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જ સાઈઝના 90 x 90 ના મંડપ માટે માત્ર રૂપિયા 400 ચાર્જ લેવામાં આવે છે.
તેઓએ સવાલ ઉઠાવ્યો છે કે, મોરબી અને રાજકોટ વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે? શું મોરબી ગુજરાતની બહાર આવેલું અલગ રાજ્ય છે જેથી અલગ કાયદા અને અલગ ચાર્જનો અમલ કરવામાં આવી રહ્યો છે? મોરબીના નગરજનો પર મહાપાલિકા દ્વારા આટલો ઊંચો ચાર્જ ઝીંકીને જુલ્મ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
અંતમાં તેઓએ માંગ કરી છે કે, નાના વેપારીઓ અને સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ ઊંચો ચાર્જ લેવાનું બંધ કરવામાં આવે અને રાજકોટની જેમ વ્યાજબી ચાર્જ વસુલવામાં આવે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
