<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

ભારતીય મજદૂર સંઘ દ્વારા કામદારોની પડતર માંગણીઓ મામલે મોરબી કલેક્ટરને આવેદનપત્ર અપાયું.

કામદારોની મુખ્ય માંગણીઓ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે ધરણા અને પ્રદર્શન કાર્યક્રમ યોજીને આ આવેદનપત્ર રજૂ કરાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :ભારતીય મજદૂર સંઘ (BMS) - મોરબી દ્વારા કામદારોના પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓ અંગે જિલ્લા કલેક્ટર મારફત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

  તાજેતરમાં ૬, ૭ અને ૮ ફેબ્રુઆરી ર૦ર૬ના રોજ ઓડિશાના પુરી ખાતે ભારતીય મજદૂર સંઘનું ર૧મું ત્રિવાર્ષિક અખિલ ભારતીય અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં દેશભરના કામદારોને અસર કરતા પ્રશ્નો પર ચર્ચા કરી સર્વાનુમતે કેટલાક મહત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ ઠરાવો અને કામદારોની મુખ્ય માંગણીઓ અંગે સરકારનું ધ્યાન દોરવા માટે ધરણા અને પ્રદર્શન કાર્યક્રમ યોજીને આ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય મજદૂર સંઘની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે.
- 'અંત્યોદય'ની ભાવના સાથે તમામ ક્ષેત્રો અને કામદારોના તમામ વર્ગો માટે શ્રમ કાયદાઓનો સાર્વત્રિક અમલ કરવામાં આવે.
- બે શ્રમ સંહિતાઓ ('ઔદ્યોગિક સંબંધો સંહિતા, ર0ર0' અને 'વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ સંહિતા, ર0ર0') માં રહેલી કામદારોની ચિંતાઓનું નિરાકરણ લાવવામાં આવે.
ત્રિપક્ષીય મિકેનિઝમ મજબૂત કરી 'ભારતીય શ્રમ પરિષદ' (ILC) તાત્કાલિક બોલાવવામાં આવે અને વિવિધ સમિતિઓની પુનર રચના કરવામાં આવે.
- EPS-95 હેઠળ મળતું લઘુત્તમ પેન્શન ૧,000 થી વધારીને ૭,૫૦૦ કરવામાં આવે અને સાથે મોંઘવારી રાહત (Dearness Relief) પણ આપવામાં આવે.
- ESI અને EPF હેઠળ કવરેજ માટેની મર્યાદામાં તાત્કાલિક ધોરણે વધારો કરવામાં આવે.
- પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, ૧૯૬પ હેઠળ બોનસ માટેની પાત્રતા મર્યાદા વધારવામાં આવે.
બંધારણની કલમ ૧૪, ૧૫, ૧૬ અને ર૧ મુજબ યોજના કામદારો (Scheme Workers) અને કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી (નિયમિત) કરવામાં આવે.
સામાન્ય ભરતી પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવીને નોકરીમાં અનિશ્ચિતતા વગર ગેરંટીયુક્ત રોજગારની ખાતરી આપવામાં આવે.
ભારતીય મજદૂર સંઘ મોરબીના જિલ્લા પ્રમુખ અને જિલ્લા મંત્રી પી.એન. ઠાકર દ્વારા આવેદનપત્રના અંતે આશા વ્યક્ત કરવામાં આવી છે કે ભારત સરકાર દ્વારા કામદારોના વ્યાપક હિતમાં આ દિશામાં યોગ્ય અને ત્વરિત પગલાં લેવામાં આવશે

(11:41 PM IST)