News of Thursday, 26th February 2026
ભોળપણ,ભરોસો,ભિનાશનો સમન્વય એ ખરી ભક્તિ: પૂ.રમેશભાઈ ઓઝા :ભાવનગર જિલ્લાના પચ્છેગામમાં ઉપલેટા તાલુકાના ગધેથડ શ્રી ગાયત્રી મંદિરના પૂ. લાલબાપુના આશીર્વાદથી શ્રી મુરલીધર મંદિરે "પૂ.ભાઈશ્રી"ના વ્યાસાસને આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવાયો
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત રાજકીય સામાજિક આગેવાનો તેમજ સંતો-મહંતોની ઉપસ્થિતિ : ભગવાન શ્રી મુરલીધર નવનિર્મિત મંદિરના નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે આયોજિત ધર્મોત્સવમાં ઉમટતા ભાવિકો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૬ : શ્રી મુરલીધર મંદિર પચ્છેગામમાં ઉપલેટા તાલુકાના ગધેથડ શ્રી ગાયત્રી મંદિરના પૂ. લાલબાપુના આશીર્વાદથી આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાએ કહ્યું કે, ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી. કથામાં વિવિધ પ્રસંગ વર્ણન સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો.
ગોહિલવાડના ઐતિહાસિક પચ્છેગામમાં ભગવાન શ્રી મુરલીધર નવનિર્મિત મંદિરના નિજ મંદિર પ્રવેશોત્સવ પ્રસંગે શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ પરથી "પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાએ કથામાં વિવિધ પ્રસંગ અવતાર વર્ણન કરતાં કહ્યું કે, ભગવાન મોરલીધરની મોરલી તો વાગી રહી છે, આપણે સ્વાર્થમાં વ્યસ્ત છીએ, એટલે સંભળાતું નથી.
"પૂ.ભાઈશ્રી" રમેશભાઈ ઓઝાએ સુતજી દ્વારા ક્થાગાન પ્રારંભની વંદના વર્ણન કરી અવતાર કથાઓનું રસ દર્શન કરાવ્યું. નાદથી ધ્યાનનો ઉલ્લેખ કરી ૐ કાર પ્રણવ એ પરબ્રહ્મનો વાહક નાદબ્રહ્મ હોવાનું સમજાવી નાદ પછી શબ્દ અને પછી શાસ્ત્ર એમ જણાવ્યું. નાદ ભીતરથી ઉદભવે ત્યારે પરમ શાંતિનો અનુભવ થાય છે. ભાગવત અને ગીતા પણ આ નાદ એટલે મુરલી જ છે. ધાર્મિક ક્થા એ મનોરંજન નહી, જીવનની ધન્યતા અને શ્રી હરિ માટે છે. ભક્ત સંદર્ભે તેઓએ ઉમેર્યું કે, ભોળપણ, ભરોસો અને ભિનાશનો સમન્વય એ ખરી ભક્તિ છે. કથામાં રાષ્ટ્ર, વિકાસ અને પર્યાવરણ સંદર્ભે પણ પ્રેરક શીખ આપવામાં આવી હતી. કાલે કથામાં ભાવ અને ઉત્સાહ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો.
પચ્છેગામમાં ભાગવત કથા અને મહા વિષ્ણુયજ્ઞ પ્રસંગમાં ભાવિકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે.અહીંયા શ્રી રામબાપુ (બાવળિયાળી), શ્રી રામબાપુ (સમઢિયાળા), શ્રી રવુબાપુ (આંબલા), શ્રી વિશ્વાનંદ માતાજી (જાળિયા), શ્રી હંસા માતાજી (અગિયાળી), શ્રી રામકૃષ્ણ શાસ્ત્રી (કુંઢેલી), શ્રી અમરદાસજી મહારાજ (રામધરી) સહિત સંતો, મહંતો અને કથાકારોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
કથામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, દિગ્વિજયસિંહ ગોહિલ, પેથાભાઈ આહિર સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ક્થા શ્રવણ માટે જોડાયાં હતા.
ગોહિલવાડ સહિત સૌરાષ્ટ્ર અને અન્ય પ્રાંતમાંથી ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યાં છે. વિવિધ સંસ્થાઓ અને સ્વયં સેવકોની ખૂબ પ્રશસ્ય સેવા ભાવના સાથે ક્થા શ્રવણ અને પ્રસાદ લાભ સાથે આ ધર્મ ઉત્સવ અનેરો ઉપક્રમ બની રહ્યો છે.તેમ મૂકેશ પંડિત
(ઈશ્વરિયા)ની યાદીમાં જણાવાયું છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
