News of Thursday, 26th February 2026
ગુજસીટોક ગુનાનો બુટલેગર ગેંગનો ફરાર લીડર જૂનાગઢના શખ્સની ધરપકડ
ગુજસીટોક કોર્ટ રાજકોટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની તજવીજ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા. ૨૬: ગુજસીટોક ગુનાનો બુટલેગર ગેંગનો ફરાર લીડર જૂનાગઢના શખ્સની ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ ધરપકડ કરી ગુજસીટોક કોર્ટ રાજકોટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતો બુટલેગર રવિ હમીરભાઈ ભારાઈની ૬ શખ્સની ગેંગ વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગઇ તા. ૧૧ ડિસેમ્બરે શીલ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો દાખલ કરાવ્યો હતો. રવિ ભારાઈએ તેના ૫ સાગરીત સાથે દિવ દમણ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ગોવા રાજ્યમાંથી વિદેશી દારૂની હેરફેર માટે ખોટા દસ્તાવેજ બનાવી આર્થિક ગુના આચરતી ટોળકી બનાવી હતી અને વિદેશી દારૂની આયાત માટે ટ્રક સહિતના વાહનના એન્જિન, ચેસીસ નંબર સાથે ચેડા કરી બોગસ ટ્રાન્સપોર્ટ, જીએસટી બિલ બનાવી આર્થિક સહિત ૬૫ જેટલા ગુના જૂનાગઢ સહિત ૬ જિલ્લામાં આચર્યા હતા.
કેસમાં તાલાલાનો વિપુલ ઉર્ફે પૂંજો રામભાઈ ઉર્ફે રમણ ખાંભલા, રૂદલપુરનો રાજુ ખેતાભાઇ કરમટા, પોરબંદરના કાટવાણા ગામનો મના કાનાભાઈ કટારા અને તાલાલાનો રામા નારણ ચોપડાની પોલીસે અટક કરી હતી. ગેંગ લીડર રવિ હમીરભાઈ ભારાઈ ગુનો નોંધાયા બાદ નાસતો ફરતો હતો.
આ દરમ્યાન ગઈકાલે તપાસનીશ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ આરોપી રવિ ભારાઈની ધરપકડ કર્યા બાદ આજે રાજકોટ સ્થિત ગુજસીટોક કોર્ટમાં રજૂ કરી ૫ દિવસના રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
