News of Thursday, 26th February 2026
મોરબીમાં જમીન દલાલની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો: 7 શખ્સો સામે FIR નોંધાઈ.
ફરિયાદમાં જણાવાયા મુજબ જમીનનાં પૈસાની લેતી દેતી મામલે લાલબાગથી અપહરણ કરી ભડીયાદના ફાર્મ હાઉસમાં માર મારી હત્યા કરવામાં આવી

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી: મોરબીમાં છેલ્લા 7 દિવસથી લાપતા જમીન દલાલ તાજમહંમદ કરીમભાઈ ભટ્ટીની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો સત્તાવાર ખુલાસો થયો છે. આ મામલે મૃતકના 22 વર્ષીય પુત્ર રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં 7 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
જમીનના સોદા અને પૈસા ઉઘરાણીમાં ખેલાયો ખૂની ખેલ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, મૃતક તાજમહંમદભાઈ છેલ્લા 15 વર્ષથી જમીન દલાલીનું કામ કરતા હતા. આરોપી થોભણભાઈ ઘેલાભાઈ અઘારા સાથે તેમને જમીનની લેતીદેતી ચાલતી હતી, જેમાં દસ્તાવેજ ન થતા મનદુઃખ ઊભું થયું હતું. તાજેતરમાં જમીન અપાવવાના બહાને તાજમહંમદભાઈ પાસેથી 5 લાખ રૂપિયા પણ લેવામાં આવ્યા હતા. આ નાણાંની ઉઘરાણી અને જૂના મનદુઃખનો ખાર રાખી આરોપીઓએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું.
લાલબાગથી અપહરણ અને ફાર્મ હાઉસમાં ઢોર માર
ગત 19 ફેબ્રુઆરીના રોજ બપોરે 12:30 વાગ્યે આરોપી બાલુભાઈ અઘારાએ જમીન જોવાના અને સોદો કરવાના બહાને તાજમહંમદભાઈ લાલબાગ સેવાસદન મેઈન ગેટ પાસે બોલાવ્યા હતા. તાજમહંમદભાઈ તેમના મિત્ર હકાભાઈ સાથે ત્યાં પહોંચ્યા હતા, જ્યાંથી બાલુભાઈએ તેમને પોતાની ફોર્ચ્યુનર કારમાં બેસાડયા હતા. રસ્તામાં અન્ય આરોપીઓ જીતેશ અને રમેશને કારમાં બેસાડી તમામ ભડીયાદ પાસેના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. અહીં પ્લાસ્ટિકના પાઈપ અને લાકડાના બડીકા વડે તાજમહંમદભાઈને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દાટી દીધી
હત્યા બાદ લાશનો નિકાલ કરવા માટે આરોપીઓ તેને પીપળી રોડ પર આવેલા 'શિવાય કોલ' નામના કારખાને લઈ ગયા હતા. ત્યાં ખાડો ખોદી, લાકડા અને ડીઝલની મદદથી લાશને સળગાવી દીધી હતી અને પુરાવાનો નાશ કરવા માટે ખાડા પર સિમેન્ટ કોંક્રીટનું ધાબું ભરી દીધું હતું. પોલીસ તપાસમાં એક શકમંદની પૂછપરછ દરમિયાન આ સ્થળ મળી આવ્યું હતું, જ્યાંથી માનવ કંકાલના બળેલા અવશેષો મળી આવ્યા છે.
7 શખ્સો સામે નોંધાયો ગુનો
પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 103(1), 61(2), 115(2), 238, 54 અને 135 હેઠળ નીચે મુજબના આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે:
બાલુભાઈ થોભણભાઈ અઘારા જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા રમેશભાઈ અરજણભાઈ અઘારા વિશાલ રમેશભાઈ વાધડીયા ભાવેશ થોભણભાઈ અઘારા જયદિપભાઈ કાનાભાઈ સેરશીયા થોભણભાઈ ઘેલાભાઈ અઘારા
હાલ આ કેસની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર વી.એન. પરમાર ચલાવી રહ્યા છે
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
