<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

કચ્‍છના દેવપર યક્ષ ગામે હિન્‍દુ વિદ્યાર્થીઓને બળજબરીપૂર્વક નમાજ પઢાવતા આક્રોશ

નખત્રાણાની ઝેવિયર્સ સ્‍કૂલમાં હનુમાન ચાલીસા ફેંકી દેવાના મામલા વચ્‍ચે હવે નવા વિવાદે સર્જી ચકચાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજઃ તા.૨૭, ધાર્મિક માન્‍યતાઓને ચલિત કરતા બનાવો શાળાઓમાં વિવાદ સર્જી  રહ્યા છે. કચ્‍છના નખત્રાણામાં સેન્‍ટ ઝેવિયર્સ સ્‍કૂલમાં છાત્રાઓ પાસેથી હનુમાન ચાલીસાની ધાર્મિક પુસ્‍તિકા ફેંકી દેવાનો મામલો હજી ગરમાયેલો છે.

ત્‍યાં જ નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામે પ્રાથમિક શાળાના ધોરણ ૬ ના ૧૧ વિદ્યાર્થીઓને અન્‍ય વિદ્યાર્થીઓ દ્વારા બળજબરીપૂર્વક નમાજ પઢાવવા માટે મજબૂર કરાયા હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ શાળાના કમ્‍પાઉન્‍ડ પાસે આવેલ દરગાહ પાસે બન્‍યો હોવાનું વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને જણાવ્‍યું છે.

જોકે, ગત શનિવારે બનેલા આ બનાવની ડરી ગયેલા વિદ્યાર્થીઓએ ૫ દિવસ પછી જાણ કરી હતી. આ બનાવ બાદ વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો શાળામાં ધસી ગયા હતા અને વિદ્યાર્થીઓએ તેમને જણાવ્‍યું હતું કે ધોરણ ૬ ના અન્‍ય વિદ્યાર્થીઓએ તેમની પાસે બળજબરીપૂર્વક નમાજ પઢાવી હતી.

વીએચપીના જિલ્લા પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ આ બનાવને નિંદનીય ગણાવી વખોડી કાઢયો છે અને શિક્ષણ વિભાગમાં રજૂઆત સાથે પોલીસ ફરિયાદની ચીમકી પણ ઉચ્‍ચારી છે.

વીએચપીના જિલ્લા મંત્રી નાજાભાઈ ભરવાડ, બજરંગદળના કરણસિંહ સોઢા સહિતના આગેવાનો શાળામાં ધસી ગયા હતા. દરમ્‍યાન શાળાના પ્રિન્‍સિપાલે આ બનાવ તેમની જાણ બહાર બન્‍યો હોવાનું જણાવી જવાબદારો સામે પગલાં ભરાશે એવો ખુલાસો કર્યો છે. જ્‍યારે નખત્રાણા પીઆઈ જે.ડી. સરવૈયાએ જણાવ્‍યું હતું કે પોલીસ સતર્ક છે અને ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાશે. 

(10:43 AM IST)