<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

કોટડાસાંગાણી ગ્રામ પંચાયતની ખુરશીથી કોર્ટ સુધીઃ ભ્રષ્‍ટાચારના આરોપે કલમોમાં વધારો

ગ્રામ પંચાયતના તત્‍કાલીન ઉપસરપંચ ધવલ ચંદુભાઇ વઘાસીયા સામે હવે ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહીનો માર્ગ ખુલ્‍યો

(જયસ્‍વાલ ન્‍યુઝ દ્વારા) ગોંડલ, તા. ર૭: રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણી ગ્રામ પંચાયત સામે નોંધાયેલા ગુનામાં હવે વધુ ગંભીર વળાંક આવ્‍યો છે. અગાઉ ભારતીય દંડ સહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં તપાસ દરમ્‍યાન ભ્રષ્‍ટાચારના તત્‍વો બહાર આવતા પોલીસે ભ્રષ્‍ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩(૧)એ તથા ૧૩(ર) ઉમેરવા અરજી કરી હતી.

મામલો કોર્ટ સુધી પહોંચતા દ્વારા રજુ થયેલા દસ્‍તાવેજો તપાસનો અહેવાલ તથા પોલીસનો રિપોર્ટ ધ્‍યાને લઇ અરજી મંજુર કરવામાં આવી. કોર્ટના મત મુજબ આરોપીએ સરકારી હોદા પર રહી ફરજો બજાવતા સમયે ગેરરીતિ અને આર્થીક ગોટાળાની સંભાવનાઓ જણાતી હોવાથી કલમોમાં વધારો કરવો યોગ્‍ય ગણાયો. તપાસ મુજબ આરોપી ધવલ ચંદુભાઇ વઘાસીયાએ ઉપસરપંચ તથા ઇન્‍ચાર્જ સરપંચ તરીકેની ફરજ દરમ્‍યાન નાણાકીય ગેરરીતિ આચરી હોવાની સંભાવના વ્‍યકત કરવામાં આવી છે. આથી કેસને હવે ભ્રષ્‍ટાચારના ગંભીર ખુણેથી પણ તપાસમાં આવશે.

અગાઉ જામીન અરજી સ્‍થાનીક કોર્ટ તેમજ સેશન્‍સ કોર્ટ દ્વારા નામંજુર થઇ ચુકી છે. જેના કારણે આરોપી સામે કાયદાકીય ઘેરાવો વધુ મજબુત બન્‍યો છે. હવે કેસની આગળની કાર્યવાહી સંભવિત રીતે આગળ વધશે. આ મામલો ગ્રામ સ્‍તરે સતાનો દુરૂઉપયોગ અને નાણાકીય પારદર્શિતાના પ્રશ્નો ફરી ચર્ચામાં લાવતો જોવા મળી રહયો છે. તપાસ આગળ વધતા વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે.

(1:50 PM IST)