હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં સતત ૭૦ માં વર્ષે ભોઈ સમાજ દ્વારા રિલાયન્સ પ્રાયોજીત રાજ્યની સૌથી વિરાટ હોળી : છોટી કાશી થી પ્રચલિત જામનગરમાં હોળી - ધૂળેટી પર્વની ઉજવણીને લઇને ઉમંગભેર તૈયારીઓ
શહેરમાં ૩૦૦ થી વધુ સ્થળે થશે હોલિકા દહન: સતત ૭૦ માં વર્ષે ભોઈ સમાજ દ્વારા રાજ્યની સૌથી વિરાટ હોળી સોમવારે પ્રગટાવાશે : હોળીના પ્રસાદ વિતરણ ના તેમજ ધુળેટીની ઉજવણી માટે કલર પિચકારી ના ઠેર ઠેર સ્ટોલ ઊભા થયા: હાઇવે હોટલોમાં રંગારંગ કાર્યક્રમની પણ તૈયારી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૭, 'છોટીકાશી' થી પ્રચલિત જામનગરમાં હોળી - ધૂળેટીનાં પર્વને લઇને હોળીનાં તથા ધૂળેટી પર રંગોત્સવનાં વિવિધ કાર્યક્રમોનાં આયોજકો તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે.૩ માર્ચે મંગળવારે પૂનમનાં ચંદ્રગ્રહણ સહિતની બાબતોને કારણે આ વર્ષે પૂનમની પૂર્વ સંધ્યાએ ૨ માર્ચનાં હોળી પ્રગટાવવામાં આવશે. શહેરમાં લગભગ ૩૦૦ થી વધુ સ્થળોએ પરંપરાગત રીતે હોલિકા દહન થશે. જેમાં ખાસ કરીને શાક માર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા સતત ૭૦ માં વર્ષે રાજ્યની સૌથી વિરાટ હોળીનાં દહનનો કાર્યક્રમ યોજાશે. રિલાયન્સનાં ધનરાજભાઈ નથવાણી આ આયોજનનાં મુખ્ય પ્રાયોજક તરીકે જોડાયા છે. સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્યો દિવ્યેશભાઇ અકબરી અને રિવાબા જાડેજા સહિતનાં સત્તાધીશો અને મહાનુભાવો અતિથી થશે.
હોળીના પ્રસાદ વિતરણ માટેના અનેક સ્થળે સ્ટોલ ઊભા થયા છે, તેમાં હોળી માટે નારિયેળ, ખજૂર, ધાણી, દાળિયા, પતાસા સહિતની પ્રસાદની સામગ્રી ના વિતરણ માટેના જામનગર શહેરના અનેક વિસ્તારોમાં હંગામી વેચાણ કેન્દ્ર- સ્ટોલ ઊભા થયેલા જોવા મળ્યા છે, તેમજ હોળીના દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
હોળી પર ધાણી, પતાશા, ખજૂર, દાળીયા જેવી ખાદ્ય સામગ્રીનાં ઉપયોગની પરંપરા હોય આ વસ્તુઓની માંગમાં પણ ઉછાળો આવ્યો છે. દાળીયા ૧૨૦ રૂ. કિલો, ખજૂર ૧૦૦ રૂ. કિલો, પતાશા હારડા ૧૨૦ રૂ. કિલો નાં ભાવે વેચાઈ રહ્યા છે. નજીવો ભાવ વધારો માંગને કોઈ અસર કરી શક્યો નથી.
શહેરમાં ધૂળેટી પર્વને લઇને રંગબજારમાં પણ રોનક જોવા મળી રહી છે. બજારમાં ૧૦ રુ. થી ૩ હજારની કિંમત સુધીની નાની મોટી આકર્ષક પિચકારીઓ વેચાઈ રહી છે. સામાન્ય કલર કરતા હર્બલ કલરનું વધુ ચલણ છેલ્લા થોડા વર્ષોથી આવેલ જાગૃતિનું પરીણામ કહી શકાય.
આ ઉપરાંત ધૂળેટીના રંગારંગ કાર્યક્રમમાં યુવા ધન પ્રતિ વર્ષ હિલોળે ચડે છે, અને જામનગર શહેરની ભાગોળે આવેલી હાઇવે હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ, પાર્ટીપ્લોટ વગેરે સ્થળો પર રંગારંગ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યા છે, અને તે માટેની સોશિયલ મીડિયામાં જાહેરાતો પણ થઈ રહી છે.
ડીજે ડાન્સ ધમાલ અને ખાણીપીણી સહિતની મોજમસ્તી સાથેના રંગારંગ કાર્યક્રમની પણ તૈયારી ચાલી રહી છે, અને તેમાં બહારથી કલાકારોને પણ નિમંત્રણ અપાઈ રહ્યા છે. ઉપરાંત ડી.જે. અને ઢોલી ઉપરાંત રેઇન ડાન્સ સહિતની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
