<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

ગોંડલના કમઢીયા પાસે બે બાઇક અથડાતાં કરમાર કોટડાના ખેત મજૂર યુવાનનું મોત

મુળ એમપીનો યુવાન બેંકમાં પૈસા જમા કરાવીને પરત આવતો હતોઃ રાજકોટમાં દમ તોડયોઃ ચાર સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું

રાજકોટ તા. ૨૭: ગોંડલના કમઢીયા પાસે બે બાઇક સામ સામે અથડાતાં એક બાઇકના ચાલક ગોંડલના કરમાર કોટડા ગામે રહેતાં મુળ મધ્‍યપ્રદેશના વિજયસિંહ રામસિંહ ભુરીયા (ઉ.વ.૩૩)નું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કરમાર કોટડામાં ખેતરમાં પરિવાર સાથે રહી મજૂરી કરતો વિજયસિંહ ગઇકાલે વાડીએથી બાઇક લઇને વતનમાં પૈસા મોકલવા હોઇ બેંકમાં જમા કરાવવા ગયો હતો. ત્‍યાંથી પરત આવતો હતો ત્‍યારે કમઢીયા પાસે તેના બાઇક સાથે બીજુ બાઇક અથડાતાં ગંભીર ઇજાઓ થતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ સવારે દમ તોડી દેતાં મજૂર પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે સુલતાનપુર પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર વિજયસિંહ બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. ઘણા સમયથી તે પરિવાર સાથે અહિ રહી ખેત મજૂરી કરતો હતો. પોલીસે સામેના બાઇકચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધવા તજવીજ કરી હતી.

(11:58 AM IST)