News of Friday, 27th February 2026
પોરબંદરમાં વ્હેલ માછલીની પોણા બે કરોડની ઉલટી (એમ્બરગ્રીસ) ઝડપાઇ
જુનાગઢનો મેહુલ સોલંકી મુલ્યવાન ઉલટીને પોરબંદરમાં વેચવા આવતા એસઓજીએ પકડી લીધોઃ આરોપીને વન વિભાગને સોંપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૭ : નરસંગ ટેકરી હાઇવે ઉપર વ્હેલ માછલીની પોણા બે કરોડની ઉલટી (એમ્બર ગ્રીસ) વેચવા આવેલ જુનાગઢના મેહુલ સોલંકીને એસઓજીએ પકડીને વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા વન વિભાગને સોંપી દીધો છે.
જુનાગઢના મેહુલ સોલંકી પાસેથી ઝડપાયેલ વ્હેલ માછલીની ઉલટીનું વજન ૧,૮ર૯ કિલો ગ્રામ અને કિંમત ૧ કરોડ ૮ર લાખની થાય છે.
વ્હેલ માછલીની ઉલટી (એબરગ્રીસ)ની હેરફેર બાબતે આધારભુત માહીતી આધારે નરસંગ ટેકરી હાઇવે રોડ પરથી વજન ૧.૮ર૯ કિ.ગ્રા. કિ. રૂા. ૧,૮ર,૯૦,૦૦૦ ની વ્હેલ માછીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે જુનાગઢના મેહુલ સોલંકીને પકડી પાડી ઉલ્ટીનો જથ્થો કબ્જે કરવામાં આવેલ છે. મેહુલની પુછપરછ કરતા પોતાને આ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) બીલખા જુનાગઢ ખાતેથી વેચાણ અર્થે પોરબંદર લઇ આવેલ હોય અને વ્હેલ માછલીની ઉલ્ટી બહુ મુલ્યવાન હોય અને ઉંચી કિંમતવાળી હોવાનું જણાવેલ હોય અને તેનું વેચાણ કરવા ગ્રાહકની શોધખોળ કરતો હતો.મળી આવેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) અને મેહુલ વિરૂધ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટને સોંપી આપેલ છે.
પોણા બે કરોડની વ્હેલ માછલીની ઉલ્ટી પકડવાની કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર વાય.જી.માથુકીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એ.ઝાલા તથા એએસઆઇ મહેબુબખાન બેલીમ, દિપકભાઇ ડાકી, રવિન્દ્ર ચાંઉ તથા પો.હેડ કોન્સ. મોહીતભાઇ ગોરાણીયા, હરદાસભાઇ ગરચર, ભીમાભાઇ ઓડેદરા, અરજનભાઇ ઓડેદરા, પો.કોન્સ. દિલીપભાઇ મોઢવાડીયા, સરમણ ખુંટી તથા ગીરીશભાઇ વાજા રોકાયેલ હતા.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
