<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th February 2026

મોરબી મહાનગરપાલિકા એક્શન મોડમાં: વેરો ન ભરનારની 88 મિલકતો સીલ, 634 બાકીદારોને વોરંટ ઈસ્યુ.

મિલકતોનો વેરો 10,000 થી વધુ બાકી હશે તો વોરંટ આપીને નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરાશે: 31 માર્ચ સુધી દર શનિવારે કલસ્ટર કચેરી રહેશે ખુલ્લી રહેશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 ના મિલકત વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટેક્સ શાખા દ્વારા બાકીદારો સામે લાલ આંખ ક૨વામાં આવતા અત્યાર સુધીમાં 88 મિલકતોને સીલ મારવામાં આવ્યા છે, જ્યારે 634 જેટલા બાકીદારોને વોરંટ ઇસ્યુ કરી કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.

   મિલકત વેરા શાખા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાંથી કુલ 26.54 કરોડ અને વિવિધ ક્લસ્ટર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી 2.53 કરોડની આવક થઈ છે. કાર્યવાહી દરમિયાન 24 બાકીદારોએ સ્થળ પર જ વેરો ભરપાઈ કરી દેતા તેમની મિલકતોના સીલ ખોલવામાં આવ્યા હતા. જોકે, હજુ પણ 64 મિલકતો સીલ હેઠળ છે. આ ઉપરાંત, રહેણાંક મિલકતનો વેરો ન ભરનાર બે આસામીઓના નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે.
બાકીદારો સાવધાન: નળ-ડ્રેનેજ કનેક્શન કપાશે અને 18% વ્યાજ લાગશે
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં જે રહેણાંક મિલકતોનો વેરો 10,000 થી વધુ બાકી હશે, તેમને રૂબરૂ કે મોબાઈલ દ્વારા વોરંટ આપીને નળ અને ડ્રેનેજ કનેક્શન કાપવાની કાર્યવાહી તેજ ક૨વામાં આવશે. આ સીલિંગ અને વોરંટની પ્રક્રિયા 31-03-2026 સુધી કાર્યરત રહેશે. વધુમાં, જે મિલકતધારકો સમયસર ટેક્સ નહીં ભરે તેમને 18% વ્યાજ પણ ચૂકવવું પડશે.
વેરો ભરવા માટેની સુવિધાઓ
નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવસ્થા કરવામાં આવી છે:
ઓનલાઈન: મહાનગરપાલિકાની વેબસાઈટ
https://mmcgujarat.in/ अथवा प्ले स्टोर परथी 'Morbi Municipal Corporation' એપ્લિકેશન ડાઉનલોડ કરીને વેરો ભરી શકાશે.
ઓફલાઈન: મુખ્ય કચેરી ખાતે રૂમ નં. 9 માં POS મશીન દ્વારા તેમજ 11 અલગ-અલગ ક્લસ્ટર ઓફિસો (નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડીયાદ, ત્રાજપર, ગ્રીન ચોક લાઈબ્રેરી, વિશ્વકર્મા બાલમંદિર, શનાળા, રવાપર અને લીલાપર ગ્રામ પંચાયત) ખાતે સવારે 10:30 થી 4:00 સુધી વેરો સ્વીકારવામાં આવશે.
શનિવારે પણ સુવિધા: 31 માર્ચ સુધી દર શનિવારે પણ મિલકત વેરો સ્વીકારવાની કામગીરી ચાલુ રહેશે.
તમામ મિલકતધારકોને વહેલી તકે વેરો ભરપાઈ કરી કાયદેસરની કાર્યવાહીથી બચવા અપીલ કરવામાં આવી છે

(11:29 PM IST)