<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ચોટીલાના રેશમિયામાં મધમાખીએ હૂમલો કરતા તળાવમાં કૂદી જતા ડૂબી જવાથી દેવીપુજક આધેડનું મોતઃ અરેરાટી

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૮: ચોટીલા તાલુકાના રેશમિયા ગામે મધમાખીના હુમલા બાદ તળાવમાં કૂદેલા એક આધેડનું મોત થયું છે. બકરા ચરાવવા ગયેલા રામભાઈ પર મધમાખીના ઝૂંડે હુમલો કર્યો હતો, જેના કારણે તળાવમાં કૂદ્યા અને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ત્રંબોડા ગામના વતની રામભાઈ રેશમિયા ગામની સીમમાં બકરા ચરાવી રહ્યા હતા. બપોરના સમયે અચાનક મોટી મધમાખીDઓનું ઝૂંડ ઉશ્કેરાયું અને રામભાઈ પર હુમલો કર્યો.

મધમાખીઓના ભીષણ હુમલાથી બચવા માટે રામભાઈએ નજીકના તળાવમાં છલાંગ લગાવી હતી. જોકે, મધમાખીઓએ તેમનો પીછો ચાલુ રાખ્યો હતો અને પાણીમાં પણ તેમને કરડતી રહી.આ ઘટનાની જાણ થતાં જ રેશમિયા ગામના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક ચોટીલા મામલતદાર કચેરી અને પોલીસને જાણ કરી હતી.

મામલતદારની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી રામભાઈના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.હાલ ચોટીલા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:03 AM IST)