News of Saturday, 28th February 2026
ધ્રોલ પોલીસ મથકે લોકદરબાર યોજાયોઃ વાર્ષિક ઇન્સ્પેકશન પરેડઃ વોલીબોલ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરતા ડો.સૈની

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૮: ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન (નિરીક્ષણ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ડો. રવિ મોહન સૈનીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જામનગર ગ્રામ્ય ડીવાયએસપી (DySP) મીત રૂદલાલ અને ધ્રોલ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) એચ.વી. રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં જવાનોની વાર્ષિક પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને શિસ્તબદ્ધ બદલ જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે પોલીસ કર્મીઓના શારીરિક સ્વાસ્થ્ય અને રમતગમત પ્રત્યેની રૂચિ વધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ સ્ટેશન પરિસરમાં તૈયાર કરવામાં આવેલા નવનિર્મિત વોલીબોલ ગ્રાઉન્ડનું એસ.પી. રવિ મોહન સૈનીના હસ્તે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ યોજાયેલા લોકદરબારમાં એસ.પી. ડો. રવિ મોહન સૈનીએ ગ્રામીણ સુરક્ષા અંગે જણાવ્યું હતું કે, ગામડાઓમાં ખેતી કે મજૂરી અર્થે આવતા બીજા રાજ્યોના પરપ્રાંતીય શ્રમિકોની વિગતો નજીકના પોલીસ સ્ટેશનમાં નામ અને સરનામા સહિત ફરજિયાત નોંધાવવી જોઈએ. આ પ્રક્રિયામાં ગ્રામ પંચાયતના સરપંચોને સક્રિય રીતે જોડાવા આહવાન કર્યું હતું, જેથી બહારથી આવતા ગુનેગારોની ઓળખ કરી શકાય. વધુમાં, તેમણે સુરક્ષાના ભાગરૂપે દરેક ગામમાં સી.સી.ટીવી કેમેરા લગાવવા માટે સૂચન કર્યું હતું.
આ લોકદરબારમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા ધ્રોલ તાલુકાની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે કચ્છ, આમરણ અને કંડલા હાઇવેના ભારે વાહનો જાંબુડાથી ભાદરા રોડ પર ડાયવર્ટ કરાતા સર્જાતી ટ્રાફિક સમસ્યા અને રસ્તાના મેન્ટેનન્સ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ધ્રોલ તાલુકાના સૌથી મોટી વસ્તી ધરાવતા લતીપર ગામમાં કાયમી પોલીસ પોઈન્ટ મૂકવા, ધ્રોલ નગરપાલિકા વિસ્તારના સી.સી.ટીવી કેમેરા તાત્કાલિક કાર્યરત કરવા તેમજ અકસ્માત નિવારવા માટે ધ્રોલ ત્રિકોણ, આહિર છાત્રાલય, માર્કેટિંગ યાર્ડ, અનિ હોટલ, ખારવા ચોકડી અને વાકિયા ગામના પાટીયા જેવા પોઈન્ટ્સ પર રબર સ્ટેમ્પ અને સ્પીડ બ્રેકર મૂકવાની નો સુઝાવ કરવામાં આવી હતી.
જામનગર એસ.પી., ડીવાયએસપી મીત રૂદલાલ અને પી.આઈ. એચ.વી. રાઠોડે તમામ રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આ પ્રશ્નોના વહેલી તકે યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. આ તકે સ્થાનિક અગ્રણીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ગ્રામજનો હાજર રહ્યા હતા.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
