<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

પડધરીમાં એટીએમમાં મદદના નામે રૂપીયા ઉપાડી લેનાર રાજકોટનો રીઢો આરોપી પકડાયો

એટીએમ સેન્‍ટરમાં મદદના નામે પડધરીના માજી સૈનિકના પ૬ હજાર ઉપાડી લીધા‘તા

રાજકોટ, તા., ૨૮ :  પડધરીમાં એટીએમ સેન્‍ટરમાં મદદના બહાને નિવળત્ત આર્મીમેનનું કાર્ડ બદલી ગઠિયાએ ૫૬ હજાર ઉપાડી છેતરપિંડી આચરતાં પડધરી પોલીસે તુરંત જ તપાસ હાથ ધરી રાજકોટના મોરબી રોડ પર રહેતાં રીઢા આરોપી દીપકસિંગ સેંગરને ઝડપી  લઈ મુદામાલ કબજે કરવાં તજવીજ હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ પડધરીમાં આવેલ ગજાનન પાર્ક સોસાયટીમાં રહેતાં મૂળ હડમતીયા ગામના વતની ચંદુભા નાગુભા જાડેજા (ઉ.વ.૫૯) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્‍યા શખસનું નામ આપી જણાવ્‍યું હતું કે, ગઇ તા. ૦૬ ના તેઓ પડધરી ઘરેથી બપોરના બારેક વાગ્‍યે એસબીઆઈ બેંકની બાજુમા આવેલ એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા ગયેલ અને તેઓને એટીએમમાંથી પૈસા ઉપાડતા આવડતુ ન હોય જેથી ત્‍યાં એટીએમમાં એક અજાણ્‍યો માણસ તેમની પાસે આવીને જણાવેલ કે, હું તમને પૈસા ઉપાડવામાં મદદ કરુ, જેથી તેમને પોતાનું એટીએમ કાર્ડ તથા તેના પીન જણાવેલ જેથી આ વ્‍યક્‍તીએ એટીએમ મશીનમાંથી ચેક કરી કહેલ કે, તમારા એટીએમમાં તો પૈસા જ નથી તેમ કહી એટીએમ પરત આપી દિધેલ બાદ તેઓ બંને એટીએમ મશીનની બહાર નીકળી ગયેલ હતાં. ત્‍યાર બાદ બેંકે તપાસ કરતા કહેલ કે તમારા ખાતામાં રૂપીયા નથી જેથી તેઓ નીકળી ગયા હતા.

બીજા દિવસે ફરીયાદી એસ.બી.આઈ. બેંક ખુલતાં જ પુત્ર પરાક્રમસિંહ સાથે બેંકમાં જઇ એટીએમ કાર્ડ બેંકના કર્મચારી પાસે ચેક કરાવતા જાણવા મળેલ કે, આ એટીએમ કાર્ડ તેઓના નામનુ છે જ નહી, તે કાર્ડમાં કોઇ અન્‍ય વ્‍યક્‍તિ જેનુ નામ જે તોગડીયાનું નામ લખેલ છે.  જેથી જાણ થયેલ કે, આગલા દિવસે તેઓ એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલ ત્‍યારે એક અજાણ્‍યો માણસે પૈસા ઉપાડવામા મદદના બહાને  ફરિયાદીનું એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી તેના પીન મેળવી એટીએમમાં કાર્ડ ચેક કરી તેમાં રૂપીયા જ નથી કહીને તેઓના કાર્ડ જેવું જ ક્રીમ કલર વાળુ કાર્ડ પરત આપી દિધેલ અને તે વ્‍યક્‍તિએ ફરીયાદીનાં એકાઉન્‍ટમાંથી તે દિવસે પડધરી બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાંથી ત્રણ વખત તથા તા.૦૭ ના રાજકોટમાં રણછોડનગર તથા પોપટપરા બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તારના એટીએમ મશીનમાંથી ત્રણ વખત એમ કુલ છ વખત અલગ અલગ કટકે કટકે ટ્રાન્‍જેકશનથી કુલ રૂ.૫૬ હજાર ઉપાડી લીધેલ હતાં.

દરમિયાન આ બનાવ અંગે પડધરી પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.એન.પરમાર અને ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી એટીએમ કાર્ડ બદલી રૂપીયા ઉપાડી લેનાર દિપકસિંગ સંતોષસિંગ સિંગર (રહે. હાલ મોરબી રોડ, જકાતનાકા પાસે, રાજકોટ, મૂળ ઉત્તરપ્રદેશ) ને પકડી મુદામાલ રિકવર કરવાં તપાસ હાથ ધરી હતી.  પકડાયેલા આરોપી એટીએમમાં રૂપિયા ઉપાડવા આવેલ લોકોને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી બાદમાં તેમાંથી રૂપિયા ઉપાડી લેવાની મોડ્‍સ ઓપરેન્‍ડી ધરાવે છે, આરોપી સામે કુલ ૧૦ થી વધુ ગુના નોંધાયેલ છે, થોડા સમય પહેલા જ રાજકોટ પોલીસે પણ તેને પકડી પાડ્‍યો હતો. (૪.૯)

 

(1:38 PM IST)