<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

ધ્રોલના નાના વૈજ્ઞાનિક વીર ચૌહાણનો કમાલ: વર્કિંગ મોડલ દ્વારા સમજાવ્યું દિવસ-રાતનું વિજ્ઞાન

નાની ઉંમરે વિજ્ઞાનના જટિલ સિદ્ધાંતને આટલી સરળતાથી અને આત્મવિશ્વાસ સાથે રજૂ કરવા બદલ ધ્રોલના બાળ વૈજ્ઞાનિકને શિક્ષકો અને નગરજનોએ બિરદાવ્યો

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૮ : ધ્રોલ: આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ધ્રોલ શહેરમાં ઠેર-ઠેર વૈજ્ઞાનિક પ્રદર્શનો યોજાઈ રહ્યા છે, ત્યારે ધ્રોલના તેજસ્વી વિદ્યાર્થી વીર ચૌહાણે (ધોરણ-૨) પોતાની મૌલિક સૂઝબૂઝથી તૈયાર કરેલું ‘ડે એન્ડ નાઈટ વર્કિંગ મોડલ’ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે.

 

વીરે તૈયાર કરેલા પ્રોજેક્ટમાં ખૂબ જ સરળતાથી સમજાવવામાં આવ્યું છે કે પૃથ્વી પર દિવસ અને રાત કેવી રીતે થાય છે. વીરે વિડીયો નિદર્શનમાં જણાવ્યું કે, સૂર્ય પોતાની જગ્યાએ સ્થિર રહે છે, જ્યારે પૃથ્વી પોતાની ધરી પર સતત ગોળ ઘૂમે છે. આ પ્રક્રિયામાં પૃથ્વીનો જે ભાગ સૂર્યની બિલકુલ સામે આવે છે ત્યાં સૂર્યપ્રકાશને લીધે દિવસ હોય છે, જ્યારે તેની વિરુદ્ધ દિશામાં એટલે કે પાછળના ભાગમાં અંધારું હોવાથી ત્યાં રાત અનુભવાય છે. પૃથ્વીને આ એક ચક્ર પૂર્ણ કરતા કુલ ૨૪ કલાક લાગે છે.

 

નાની ઉંમરે વિજ્ઞાનના આવા જટિલ સિદ્ધાંતને આટલી સરળતાથી અને આત્મવિશ્વાસ સાથે રજૂ કરવા બદલ ધ્રોલના આ બાળ વૈજ્ઞાનિક વીર ચૌહાણને શિક્ષકો અને નગરજનોએ બિરદાવ્યો હતો. આ પ્રયોગ સાબિત કરે છે કે જો બાળકોને પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે તો તેઓ વિજ્ઞાનને વધુ સારી રીતે સમજી શકે છે.

(4:55 PM IST)