News of Saturday, 28th February 2026
મોરબી મર્ડર કેસ : પાંચેય આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર:
જમીન દલાલની ઘાતકી હત્યા કરી લાશને સળગાવીને દાટી દેવાના ચકચારી બનાવમાં હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં જમીન દલાલની ઘાતકી હત્યા કરી લાશને સળગાવીને દાટી દેવાના ચકચારી બનાવમાં ગઈકાલે ઝડપાયેલા પાંચ આરોપીઓને આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓના ૭ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેની સામે કોર્ટે તમામ આરોપીઓના ૩ દિવસના એટલે કે આગામી ૩ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ કેસની વિગતો મુજબ, ભડીયાદ ફાર્મ હાઉસ ખાતે જમીન દલાલની હત્યા નીપજાવીને પુરાવા નાશ કરવાના ઈરાદે લાશને પીપળી રોડ પર લઈ જઈને સળગાવીને દાટી દેવામાં આવી હતી. આ મામલે રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને હત્યા બાદ લાશના નિકાલ માટે અને પીપળી રોડ સુધી લઈ જવા માટે જે કારનો ઉપયોગ થયો હતો તે કાર અંગે પણ ઊંડી તપાસ ચલાવવામાં આવશે. આ ઉપરાંત, આ ગુનામાં અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે કેમ અને ગુનાહિત કાવતરામાં કોનો કોનો હાથ છે તે દિશામાં પણ વધુ પૂછપરછ કરવામાં આવશે.
પોલીસના સકંજામાં આવેલા આરોપીઓ
બાલુભાઈ થોભણભાઈ અઘારા થોભણભાઈ ઘેલાભાઈ અઘારા રમેશભાઈ અરજણભાઈ અઘારા વિશાલ રમેશભાઈ વાધડીયા જયદિપભાઈ કાનાભાઈ સેરશીયા
હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર
FIRમાં નોંધાયેલા 7 આરોપીઓ પૈકી હજુ પણ ભાવેશ થોભણભાઈ અઘારા અને જીતેશભાઈ બાલુભાઈ જાલરીયા પોલીસ પકડથી બહાર છે. આ આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં ટીમો રવાના કરી છે
(11:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
