<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st March 2026

કચ્છમાં લાઈસન્સ માટે 'સેટિંગ' ના ખેલ ખતમ: ભુજ RTOમાં હવે AI ઇન્સ્પેક્ટર લેશે પરીક્ષા, સેન્સર્સની નજરથી બચવું અશક્ય

ભુજ અને અંજારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હાઈ-ટેક ડ્રાઇવિંગ ટ્રેકનું સફળ પરીક્ષણ; માનવીય હસ્તક્ષેપ વગર સંપૂર્ણ પારદર્શક ટેસ્ટ લેવાશે, નિયમોમાં સહેજ પણ ચૂક કરનારને સિસ્ટમ તુરંત કરશે ‘ફેઈલ’

ભુજ:સરહદી જિલ્લા કચ્છના વાહનચાલકો માટે ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવવું હવે લોઢાના ચણા ચાવવા જેવું કઠિન બની રહેશે. ભુજ આરટીઓ કચેરીમાં ટેકનોલોજીના નવા યુગનો પ્રારંભ કરતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડ્રાઇવિંગ ટ્રેકનું સફળ પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી જે લાઈસન્સ પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપ રહેતો હતો, ત્યાં હવે અત્યાધુનિક સેન્સર્સ અને કેમેરા ઉમેદવારોની ડ્રાઇવિંગ સ્કીલની કસોટી કરશે. આ નવી વ્યવસ્થાને કારણે 'વચેટીયાઓ' અને 'સેટિંગ' દ્વારા લાઈસન્સ કઢાવતા તત્વોના ખેલ પર કાયમી ધોરણે બ્રેક વાગી જશે.

અત્યાર સુધી આરટીઓ ઇન્સ્પેક્ટરો દ્વારા કોમ્પ્યુટરની મદદથી જે ટેસ્ટ લેવામાં આવતી હતી, તેમાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો ઉઠતી રહી હતી. અનેક કિસ્સાઓમાં કાચા ખેલાડીઓ પણ સેટિંગ કરીને લાઈસન્સ મેળવી લેતા હતા, જે અંતે માર્ગ અકસ્માતોનું કારણ બનતા હતા. આ ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખેડવા માટે રાજ્ય સરકારે એઆઈ ટેકનોલોજીનો સહારો લીધો છે. ભુજ અને અંજારમાં આ માટેનું માળખું તો તૈયાર હતું જ, પરંતુ હવે ટેકનિકલ અવરોધો દૂર થતા સિસ્ટમને એક્ટિવ મોડમાં મૂકવામાં આવી છે, જેનાથી લાઈસન્સ મેળવવા ઈચ્છતા ઉમેદવારોમાં ફફડાટ અને કુતૂહલ બંને જોવા મળી રહ્યા છે.

આ હાઈ-ટેક ટ્રેકની વિશેષતા એ છે કે તેમાં ડઝનબંધ સેન્સર્સ અને હાઈ-ડેફિનેશન કેમેરા લગાવવામાં આવ્યા છે. ઉમેદવાર જ્યારે ટ્રેક પર વાહન ચલાવશે, ત્યારે તેની રિવર્સ લેવાની પદ્ધતિ, વળાંક લેવાની રીત અને ટ્રાફિક સિગ્નલના પાલન પર AI સિસ્ટમ સતત નજર રાખશે. જો વાહન ટ્રેક પરની બોર્ડર લાઈનને સહેજ પણ સ્પર્શ કરશે અથવા નિયમ વિરુદ્ધ ડ્રાઇવિંગ કરશે, તો સિસ્ટમ તુરંત જ તેને ડિટેક્ટ કરી લેશે. આ પરીક્ષામાં કોઈ પણ આરટીઓ અધિકારી પરિણામમાં ફેરફાર કરી શકશે નહીં, કારણ કે રિઝલ્ટ સીધું જ કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરવામાં આવશે.

આરટીઓ કચેરીના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નવી સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર લાયક અને કુશળ વાહનચાલકોને જ રસ્તા પર લાવવાનો છે. હવે લાઈસન્સ મેળવવા માટે ઉમેદવારોએ માત્ર ડ્રાઇવિંગની પ્રેક્ટિસ જ નહીં, પરંતુ ટ્રાફિકના તમામ કાયદાઓનું ઊંડું જ્ઞાન રાખવું પડશે. ટૂંક સમયમાં જ આ સિસ્ટમ દ્વારા કાયમી ધોરણે લાઈસન્સ આપવાની પ્રક્રિયા અમલી બનશે. આ ક્રાંતિકારી ફેરફારથી કચ્છના માર્ગો પર અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે અને રોડ સેફ્ટીના નિયમોનું ચુસ્ત પાલન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

(3:39 PM IST)