<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં મોટી ખગોળીય ઘટના: ૧,૩૫૫ દિવસ બાદ સૂર્ય 'કલંક રહિત' દેખાયો :૫ દિવસના વિરામ બાદ નવા સનસ્પોટનું આગમન

વર્તમાન સોલર સાયકલ-૨૫ (Solar Cycle 25) માં આટલા લાંબા સમય બાદ સૂર્યનું ૫ દિવસ સુધી શાંત રહેવું એ સંકેત આપે છે કે સૂર્ય હવે તેની મહત્તમ સક્રિયતાના શિખર પરથી ધીમે ધીમે નીચે ઉતરી રહ્યો છે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : ખગોળ વિજ્ઞાનની દૃષ્ટિએ ફેબ્રુઆરી ૨૦૨૬નો આ અંતિમ સપ્તાહ અત્યંત મહત્વનો સાબિત થયો છે. છેલ્લા પોણા ચાર વર્ષથી અવિરતપણે સક્રિય રહેલા સૂર્ય પર ૨૨ ફેબ્રુઆરીના રોજ એક પણ 'સનસ્પોટ' (સૂર્યકલંક) જોવા મળ્યું નહોતું. આ સાથે જ સૂર્ય પર સતત ૧,૩૫૫ દિવસ સુધી કલંકો દેખાવાની ઐતિહાસિક શ્રેણીનો અંત આવ્યો છે. ૧,૩૫૫ દિવસ બાદ સૂર્ય 'સ્પોટલેસ' થયો

        આ અંગે વિગતો આપતા 'સ્ટારગેજીંગ ઈન્ડિયા'ના સ્થાપક અને ખગોળશાસ્ત્રી  નરેન્દ્ર ગોર (સાગર) એ જણાવ્યું હતું કે, "૮ જૂન, ૨૦૨૨ થી અત્યાર સુધી સૂર્ય પર દરરોજ કોઈ ને કોઈ સનસ્પોટ જોવા મળતા હતા. પરંતુ ૨૨ ફેબ્રુઆરીના રોજ અમારા સોલર ટેલિસ્કોપ દ્વારા નિરીક્ષણ કરતા જણાયું હતું કે સૂર્યની પૃથ્વી તરફની સપાટી સંપૂર્ણપણે સાફ હતી. છેલ્લું સક્રિય સનસ્પોટ (AR4374) સૂર્યના પોતાની ધરી પરના ભ્રમણને કારણે પૃથ્વીની નજરથી દૂર થતા આ સ્થિતિ સર્જાઈ હતી."

૫ દિવસની શાંતિ બાદ નવું સનસ્પોટ AR3991 દેખાયું

        નરેન્દ્રભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, "અમે સૂર્યનું નિયમિત નિરીક્ષણ ચાલુ રાખ્યું હતું. ૨૨ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી સતત ૫ દિવસ સુધી સૂર્ય 'સ્પોટલેસ' રહ્યો હતો. જોકે, આજે ૨૭ ફેબ્રુઆરીના રોજ આ શાંતિનો અંત આવ્યો છે. આજના તાજા અવલોકન મુજબ, સૂર્યના પૂર્વીય ભાગ (Eastern Limb) પરથી એક નવું સક્રિય ક્ષેત્ર ઉભરી આવ્યું છે, જેને AR3991 નામ આપવામાં આવ્યું છે. આ મુખ્ય સનસ્પોટની સાથે અન્ય બે નાના સ્પોટ્સ પણ જોવા મળ્યા છે, જે આવનારા દિવસોમાં સૂર્યના ભ્રમણ સાથે પૃથ્વીની બરાબર સન્મુખ આવશે."

શું આ 'સોલર મિનિમમ' ના સંકેત છે?

        વર્તમાન સોલર સાયકલ-૨૫ (Solar Cycle 25) માં આટલા લાંબા સમય બાદ સૂર્યનું ૫ દિવસ સુધી શાંત રહેવું એ સંકેત આપે છે કે સૂર્ય હવે તેની મહત્તમ સક્રિયતાના શિખર પરથી ધીમે ધીમે નીચે ઉતરી રહ્યો છે. આમ છતાં, AR3991 જેવા નવા સનસ્પોટ્સની હાજરી બતાવે છે કે સૂર્ય હજુ પણ સક્રિય છે અને તેમાંથી સૌર જ્વાળાઓ નીકળવાની પ્રક્રિયા ચાલુ રહેશે.

        કચ્છના ખગોળ પ્રેમીઓ માટે આ એક દુર્લભ તક હતી જેમાં સૂર્યને એકદમ સાફ અને ત્યારબાદ નવા જન્મેલા કલંકો સાથે નિહાળી શકાયો છે. (માહિતી, તસ્વીર: નરેન્દ્ર ગોર, “સાગર”, ભુજ)

(8:58 AM IST)