તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 2nd March 2026
મહુવાના ભાદ્રોડ નજીક દૂધના ટેન્કરમાં ૭૮ લાખનો દારૂ બિયરનો જથ્થો ઝડપાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨: સ્ટેટ મોનિટરિંગ સેલે મહુવાના ભાદ્રોડ નજીક દુધના ટેન્કરમાં છૂપાવીને લઈ જવાઈ રહેલા વિદેશી દારૂના મસમોટા જથ્થાને ઝડપી લીધો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે પંજાબના પટિયાલાથી ટેન્કરમાં છૂપાવીને લવાઈ રહેલી દારૂ-બિયરની કુલ ૧૬,૪૧૬ બોટલ સહિત કુલ રૂ.૧ કરોડથી વધારેના મુદ્દામાલ સાથે ડ્રાઈવને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પંજાબના પટિયાલાથી દુધના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવીને મહુવા તરફ આવતો હોવાની મહુવા વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમને મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંસ સેલની ટીમે મહુવા નજીકના ભાદ્રોડ ગામ પાસે હાઈ-વે પર આવેલા બુટિયાના નાળા પાસે વૉચ ગોઠવી હતી અને બુટીયાના નાળા પાસે જીજે-૦૨-ઝેડ-૮૨૩૨ નંબરનું દુધનું ટેન્કર આવતા તેને અટકાવી તલાશી લેતા દુધના ટેન્કરમાં છૂપાવેલી ૪૬૬ પેટીઓમાંથી રૂ.૭૮,૨૦,૧૮૪ની કિંમતની વિદેશી દારૂ અને બીયરની કુલ ૧૬,૪૧૬ બોટલ સાથે ટેન્કરના ડ્રાઈવર હનુમાનરાવ માંગીલાલ બિશ્નોઈ (રહે.રાજસ્થાન)ને ટેન્કર અને મોબાઈલ સહિત કુલ રૂ.૧.૦૩ કરોડના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
પોલીસની પુછપરછમાં દારૂનો આ જથ્થો તે પંજાબના પટિયાલાથી ભરીને લાવ્યો હતો અને ભરત દેવાસી (રહે. રાજસ્થાન)એ મોકલાવ્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી આ દારૂનો જથ્થો કોને મોકલવામાં આવી રહ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી આ મામલે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
