News of Monday, 2nd March 2026
વીરપુરના જગવિખ્યાત પૂ.જલારામબાપા મંદિરે કાલે ચંદ્રગ્રહણને પગલે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
બપોરે ૨ થી રાત્રે ૮ વાગ્યા સુધી મંદિરના દ્વાર બંધ રહેશે, આરતી મોડી યોજાશેઃ પ્રસિદ્ધ અન્નક્ષેત્ર બપોરે ૨ વાગ્યે બંધ થશે, બીજા દિવસે રાબેતા મુજબ પુનઃ શરૂ થશે

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર, તા.૨: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર પૂજ્ય સંત શ્રી જલારામબાપાની જગ્યા આગામી તારીખ ૦૩/૦૩/૨૦૨૬ના રોજ ચંદ્રગ્રહણને કારણે દર્શનાર્થીઓ માટે આંશિક રીતે બંધ રહેશે. જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા ચંદ્ર ગ્રહણના ગ્રહણકાળને ધ્યાનમાં રાખીને દર્શન અને સદાવ્રતના સમયમાં ફેરફારનું જણાવ્યું છે.
તારીખ ૩ માર્ચના રોજ બપોરે ૦૨:૦૦ વાગ્યાથી લઈને સાંજના ૦૮:૦૦ વાગ્યા સુધી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવામાં આવશે. સામાન્ય દિવસોમાં સાંજે ૦૭:૦૦ વાગ્યે થતી સંધ્યા આરતી, ગ્રહણના કારણે રાત્રે ૦૯:૦૦ વાગ્યે યોજાશે. ગ્રહણ પૂર્ણ થયા બાદ વિધિવત શુદ્ધિ અને પૂજા બાદ જ ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં ચાલતા વિશ્વવિખ્યાત સદાવ્રત (અન્નક્ષેત્ર)ના સમયમાં પણ ફેરફાર થયો છે. ગ્રહણના કારણે ૩ માર્ચે બપોરે ૦૨:૦૦ વાગ્યે અન્નક્ષેત્ર બંધ કરી દેવામાં આવશે. આ સદાવ્રત અન્નક્ષેત્ર ત્યારબાદ સીધી બીજા દિવસે એટલે કે તારીખ ૦૪/૦૩/૨૦૨૬ના રોજ સવારથી રાબેતા મુજબ શરૂ થશે.
દૂર-દૂરથી આવતા યાત્રિકોને અગવડતા ન પડે તે હેતુથી પૂજ્ય જલારામ બાપાની જગ્યા દ્વારા આ માહિતી અગાઉથી જાહેર કરવામાં આવી છે. ભક્તોએ આ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને જ દર્શનનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
