તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 2nd March 2026
પડધરી પાસેના અકસ્માતમાં વૃધ્ધ ધનજીભાઇ સાકરીયા બાદ પત્નિ રંજનબેનનું પણ મોત શોક
દિકરીને હોળીનો હાયડો .આપવા જતી વખતે ભારત હોટેલ પાસે અકસ્માત નડયો હતો ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરના પરિવારે બે દિ+વસમાં બે સ્વજન ગુમાવ્યા

રાજકોટ તા. ૨: પડધરીની ભારત હોટેલ નજીક શુક્વારે રાતે વાહન અકસ્માતમાં રાજકોટનું વૃધ્ધ દંપતિ ખંડીત થયું હતું. પતિ-પત્નિ પડધરી રહેતી દિકરીને હોળીનો હાયડો આપવા માટે ટુવ્હીલર લઇને જતાં હતાં ત્યારે વાહન સ્લીપ થતાં અથવા તો કોઇ વાહનની ઠોકરે ચડી જતાં બંનેને ગંભીર ઇજા થઇ હતી. જેમાં પતિનું મોત થયું હતું અને પત્નિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતાં. હવે તેમનું પણ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતાં ધનજીભાઇ રામજીભાઇ સાકરીયા (ઉ.વ.૬૦) શુક્રવારે સાંજે ટુવ્હીલરમાં પત્નિ રંજનબેન (ઉ.વ.૫૦)ને બેસાડીને પડધરી મોવૈયા સર્કલ પાસે રહેતી દિકરી સંજનાબેનને હોળીનો હાયડો આપવા જવા રાજકોટથી રવાના થયા હતાં. ઇટર્નો સ્કૂટર પર બંને પડધરી નજીક ભારત હોટેલ પાસે રાતે નવેક વાગ્યે પહોંચ્યા ત્યારે તેના વાહનને અકસ્માત નડતાં બંને રોડ પર ફેંકાઇ ગયા હતાં અને ગંભીર ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને કોઇએ ૧૦૮ને જાણ કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ધનજીભાઇનું ટુંકી સારવાર બાદ મોત થયું હતું.
તેમના પત્નિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતાં. રવિવારે તેમનું પણ મૃત્યુ થતાં સાકરીયા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ધનજીભાઇ સાકરીયા ફીલ્ડ માર્શલ કંપનીમાં નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પોતે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. દિકરી પડધરી સાસરે હોઇ તેને હોળીના તહેવાર નિમીતે હાયડો આપવા જવા પતિ-પત્નિ નીકળ્યા ત્યારે પડધરીના મોવૈયા સર્કલ પાસે આ બનાવ બન્યો હતો. ધનજીભાઇના મૃત્યુ બાદ તેમના પત્નિએ પણ દમ તોડી દેતાં સાકરીયા પરિવારે બે દિવસમાં બે સ્વજન ગુમાવી દીધા હતાં.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
