તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
જેતપુર સામાંકાંઠા વિસ્તારમાં 2 બાળક ગુમ : કાલે સાંજે રમતા સમયે સોહેલ ખાન 7 વર્ષીય અને અજિત 9 વર્ષીય ગુમ થતા શોધખોળ
જેતપુરના ઉદ્યોગનગરી વિસ્તારમાં અનેક શ્રમિકો વસવાટ કરે છે આ ઘટના બાદ વાલીઓમાં ભારે ડરનો માહોલ : લોકો પોતાના બાળકોને બહાર મોકલતા ડરી રહ્યા છે

રાજકોટ તા.૨
રાજકોટ જિલ્લાના જેતપુરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જેતપુરના સામાંકાંઠા વિસ્તારમાં રહેતા બે પરપ્રાંતીય શ્રમિક પરિવારના બાળકો ગઈકાલે સાંજથી એકાએક ગુમ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય રીતે બાળકો ઘર પાસે રમતા હોય છે, પરંતુ રવિવારની સાંજ આ પરિવારો માટે આફત બનીને આવી હતી. 7 વર્ષીય સોહેલ ખાન અને 9 વર્ષીય અજિત નામના બે બાળકો રમી રહ્યા હતા ત્યારે એકાએક ક્યાંક ગાયબ થઈ ગયા હતા. મોડી સાંજ સુધી બાળકો ઘરે ન પરત ફરતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કલાકોની જહેમત બાદ પણ બાળકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
Rajkot Missing Children: શ્રમિક પરિવારોમાં ઘેરો શોક
આ બંને બાળકો પરપ્રાંતીય શ્રમિક પરિવારોના છે જેઓ જેતપુરના ઉદ્યોગનગરવિસ્તારમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સોહેલ ખાન અને અજિત બંને મિત્રો હોવાથી સાથે જ રમવા નીકળ્યા હતા. રાતભર પરિવારે આસપાસના વિસ્તારો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર તપાસ કરી હતી, તેમ છતાં બાળકોની કોઈ ભાળ મળી નથી. બાળકો ગુમ થવાની આ ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં ભારે આક્રોશ અને ચિંતા જોવા મળી રહી છે. માતા-પિતાની આંખોમાં આંસુ સુકાતા નથી, કારણ કે માસૂમ બાળકો કઈ હાલતમાં હશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. સ્થાનિક રહેવાસીઓ પણ આ ઘટનાથી સ્તબ્ધ છે.
પોલીસ તપાસનો ધમધમાટ
બાળકો ન મળતા આખરે બંને પરિવારોએ જેતપુરના ઉદ્યોગનગર પોલીસ મથકે જઈને જાણ કરી છે. પોલીસે આ મામલે ગુમશુદાની ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શું બાળકો કોઈ અકસ્માતનો ભોગ બન્યા છે કે પછી કોઈ ટોળકી દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું છે? તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
સ્થાનિકોમાં ફેલાયો ફફડાટ
જેતપુરના ઉદ્યોગનગરી વિસ્તારમાં અનેક શ્રમિકો વસવાટ કરે છે. આ ઘટના બાદ વાલીઓમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના બાળકોને બહાર મોકલતા ડરી રહ્યા છે. બીજી તરફ બે બાળકો ગુમ થતાં પરિવાર ભારે આઘાતમાં છે.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
