<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

જૂનાગઢમાં સાધુ-સંતો અને કીર્તિ પટેલ વચ્‍ચેના વિવાદનો સુખદ અંતઃ સનાતન ધર્મની એકતાના દર્શન

ઈન્‍દ્રભારતી બાપુના ચરણસ્‍પર્શ કરી કીર્તિ પટેલે માફી માંગી, ભારતી પરિવારને તોડવાના પ્રયાસો નિષ્‍ફળ રહ્યા હોવાનો દાવો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૩: જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ અને સ્‍થાનિક સાધુ-સંતો વચ્‍ચે ચાલી રહેલા ગરમાગરમ વિવાદનો આખરે સુખદ અંત આવ્‍યો છે. આ સમાધાન સાથે જ તમામ વાદ-વિવાદો પર પૂર્ણવિરામ મુકાયું છે, જેનાથી ભક્‍તો અને અનુયાયીઓમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.

આ સમાધાન પ્રક્રિયા દરમિયાન કીર્તિ પટેલે મહંત ઈન્‍દ્રભારતી બાપુના ચરણસ્‍પર્શ કરી તેમના આશીર્વાદ લીધા હતા. કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઈન્‍દ્રભારતી બાપુનું ભાવપૂર્વક સન્‍માન કર્યું હતું. સામે પક્ષે ઈન્‍દ્રભારતી બાપુ અને અન્‍ય સાધુ-સંતોએ પણ ઉદારતા દાખવી કીર્તિ પટેલને આશીર્વાદ આપ્‍યા હતા.

આ પ્રસંગે કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ અને જગતગુરુ મહેન્‍દ્રાનંદ ગીરીબાપુ પ્રત્‍યે પણ આદર વ્‍યક્‍ત કરી તેમનું સન્‍માન કર્યું હતું.

સમાધાન બાદ પ્રતિક્રિયા આપતા કીર્તિ પટેલે જણાવ્‍યું હતું કે, ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાની અને વિખેરવાની કોશિશ કરી હતી, પરંતુ ગિરનારી મહારાજે કોઈનો મેળ પડવા દીધો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે સનાતન ધર્મની એકતા જળવાઈ રહે અને સાધુ-સંતોના માન-સન્‍માનને કોઈ આંચ ન આવે તે હેતુથી આ વિવાદનો અંત લાવવો જરૂરી હતો.

ધર્મની એકતાને પ્રાથમિકતા, આ સમગ્ર ઘટનાક્રમમાં વ્‍યક્‍તિગત મતભેદો કરતા સનાતન ધર્મની ગરિમા અને સંતોના સન્‍માનને સર્વોપરી ગણવામાં આવ્‍યું છે. આ સમાધાનથી સાબિત થયું છે કે જ્‍યારે ધર્મ અને સંસ્‍કારોની વાત આવે ત્‍યારે તમામ વિવાદો ગૌણ બની જાય છે. અત્‍યારે સમગ્ર જૂનાગઢ અને ભક્‍ત સમુદાયમાં શાંતિ અને એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

(10:53 AM IST)